(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકાના ફુગાવાના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે મધ્ય પૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવ વધતાં ક્રૂડતેલના ભાવ વધી આવતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો નોંધાયો હતો. આમ વૈશ્વિક બજારના મિશ્ર અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે હાજરમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 264નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 26નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર તાજેતરમાં વૈશ્વિક સોના અને ચાંદીમાં બેતરફી વધઘટ જોવા મળી રહી હોવાથી રોકાણકારો અને અને વેપારીઓનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ જોવા મળી રહ્યો છે. આજે વિશ્વ બજાર પાછળ હાજરમાં વેરારહિત ધોરણે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 26ના સાધારણ સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,41,340 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,41,908ના મથાળે રહ્યા હતા, પરંતુ રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની નિરસ માગ વચ્ચે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 264ના ઘટાડા સાથે રૂ. 2,19,711ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4030.50 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.8 ટકા ઘટીને 4036.20 ડૉલર આસપાસ અને હાજરમાં ચાંદીના ભાવ 1.1 ટકા ઘટીને આૈંસદીઠ 57.96 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન આજે અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરતાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે અમેરિકાને લાભકર્તા એવા નિકાસના તમામ રસ્તાઓ બંધ કરવાની ધમકી આપતાં આજે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધી આવતાં ફુગાવામાં વધારો થવાની ભીતિ સપાટી પર આવતા સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં અમેરિકામાં ફુગાવા પર વધુ અસર કરે તેવા ગેસોલિનના ભાવની વધઘટની સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ પર અસર જોવા મળે તેવી શક્યતા છે.
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન માર્શે ગઈકાલે તેના વક્તવ્યમાં કાયદાના ઘડવૈયાઓને જણાવ્યું હતું કે કેન્દ્રવર્તી બૅન્ક ફુગાવામાં વધારો સાંખી નહીં લે. જોકે, આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 61 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા.
વધુમાં આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર હોવાથી અમુક અંશે બજારમાં સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.