Wed Jul 15 2026

Logo

ઉલટી ગંગાઃ કર્મચારીઓએ જ કેસ કરી નાખ્યો 'Meta' પર, મૂક્યા 'ગંભીર' આરોપો

San Francisco   2026-07-15 21:16:27
Author: Mumbai Samachar Team
Article Image

સાન ફ્રાન્સિસ્કોઃ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરન્ટ કંપની મેટા પર ચોંકાવનારો આરોપ લાગ્યો છે. કંપની પર બીમાર કર્મચારીઓને ઓળખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવાનો અને પછી બીમાર કર્મચારીઓની ઓળખ કર્યા બાદ તેમની છટણી કરવાનો આરોપ લાગ્યો છે.

મેટાના 26 કર્મચારીના એક જૂથે કંપની પર કેસ દાખલ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ છટણી માટે વ્યક્તિઓ પસંદ કરવા માટે એઆઈ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો, જેમાં મોટાભાગે મેડિકલ, પેરેન્ટલ અથવા ફેમિલી લીવ પર હતા તે કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ કર્મચારીઓ એ 8,000 કર્મચારીઓમાંના એક છે જેમની મે મહિનામાં છટણી કરવામાં આવી હતી, જેઓ મેટાના કુલ વર્કફોર્સના લગભગ 10 ટકા થાય છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ કોને કાઢી મૂકવામાં આવશે તે નક્કી કરવા માટે ઈન્ટરનલ એઆઈ સિસ્ટમ, કીસ્ટ્રોક અને એક્ટિવીટી-મોનિટરિંગ ડેટા, એઆઈ ટોકન-યુસેઝ ડેશબોર્ડ અને અલ્ગોરિધમની મદદ ધરાવતા પરફોર્મ રેન્કિંગનો ઉપયોગ કર્યો હતો.

કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાંના અનેક સ્કોર અથવા રેટિંગ્સ જાણીજોઈને એવા બનાવવામાં આવ્યા જે કર્મચારી સુરક્ષિત મેડિકલ અથવા ફેમિલી લીવ પર હતા અથવા જેમની કામ કરવાની ક્ષમતા કોઈ દિવ્યાંગતાને કારણે ઓછી થઈ ગઈ હતી. મેટાએ કર્મચારીઓનો સ્કોર નક્કી કરતા સમયે સુરક્ષિત લીવને ધ્યાનમાં રાખી નહીં અને કાયદા અનુસાર, જરૂરી રજાઓ અને વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવનારા વ્યક્તિગત રિવ્યૂ માટે સિસ્ટમને રોકી નહીં,

જેના પરિણામે ફેમિલી અને મેડિકલ લીવ પર રહેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.  તેમાં સામેલ તમામ 26 કર્મચારીઓએ લીવ લીધી હતી. તેમને નોકરીમાંથી કાઢી મુકવાની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ તેઓ તમામ 26 કર્મચારીઓ હાલમાં મેટામાં કામ કરે છે અને તેમને કાઢવાની પ્રક્રિયા 22 જૂલાઈથી શરૂ થશે.