Wed Jul 15 2026

Logo

યુકે સાથેના કરારથી ભારત 11 લાખ ટનથી વધુ ડ્યૂટીમુક્ત સ્ટીલની નિકાસ કરી શકશે

2026-07-15 20:23:00
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ યુકે સાથે આગામી બુધવારથી અમલી બનનારા મુક્ત વેપાર કરાર અંતર્ગત ક્નટ્રી સ્પેસિફિક અને રેસિડ્યુઅલ ક્વૉટા મારફતે ભારત યુકે ખાતે અંદાજે 11 લાખ ટનથી વધુ સ્ટીલની ડ્યૂટીમુક્ત ધોરણે નિકાસ કરી શકશે એમ એક અધિકૃત યાદીમાં જણાવાયું  છે. 

નોંધનીય બાબત એ છે કે સ્ટીલ અંગે યુકેનાં માર્ચ મહિનામાં લેવાયેલા સેફગાર્ડ પગલાં કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક ઍન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (સીઈટીએ) માટે મહત્ત્વનો મુદ્દો રહ્યો હતો અને આ કરાર પર ગત 24મી જુલાઈ, 2025ના રોજ સહીસિક્કા કરવામાં આવ્યા હતા. જોકે, આ મુદ્દાનો ઉકેલ આવી જતાં 15મી જુલાઈથી આ કરારના અમલીકરણ માટેનો માર્ગ મોકળો બન્યો હતો. 

યુકેના આ સેફગાર્ડ પગલાં હેઠળ ભારતથી બ્રિટન ખાતે નિકાસ થતી 13.7 કરોડ ડૉલરના મૂલ્યની સ્ટીલની કુલ 188 ચીજો આવી રહી હતી. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત વર્ષ 2025માં યુકે ખાતે સ્ટીલની કુલ નિકાસ 96 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. સ્થાનિક નિકાસકારોના હિત જાળવવા માટે ભારતે યુકે સાથે ઘણી વાટાઘાટો કરી હતી જેથી યુકેના પગલાંની અસર હળવી થાય. 

બજારના હિસ્સેધારકો સાથે સલાહમસલત કર્યા બાદ ભારતે યુકેને સ્ટીલનાં પગલાં હેઠળ ક્વૉટા વધારવા માટે અનુરોધ કર્યો હતો અને બન્ને પક્ષો તરફથી સફળ વાટાઘાટોને અંતે ભારતનો કુલ ક્નટ્રી સ્પેસિફિક ક્વૉટા વધારીને 1,68,029 ટન અને ઑથોરાઈઝ્ડ યુઝ સ્કીમ હેઠળ 9.45 લાખ ટન કરવામાં આવ્યો છે.ભારત સાથેના દ્વિપક્ષીય વેપારમાં સમતુલન રહે તે માટે યુકેએ મહત્ત્વપૂર્ણ શ્રેણીના ઘણાં ઉત્પાદનો માટે ટેરિફ મુક્ત એક્સેસનું વિસ્તરણ કર્યું છે. 

નોન એલોય અને અન્ય એલોય હોટ રોલ્ડ શીટ અને સ્ટ્રીપ્સમાં ભારત માટેનો દેશ આધારિત ક્વૉટા જે 12,405 ટનનો હતો તે ત્રણ ગણો કરીને 33,456 ટનનો કર્યો છે. આ સિવાય ભારતીય નિકાસકારો માટે યુકેએ ઑથોરાઈઝ્ડ યુઝ સ્કીમ હેઠળ 40 ટકા ક્વૉટા અનામત રાખ્યો છે. તેના થકી 9.45 લાખ ટન જેટલું ટ્રેડ વૉલ્યૂમ થશે. તે જ પ્રમાણે કેટેગરી 28 (નોન એલોય વાયર)માં નવ કૉમૉડિટી દૂર કરીને ભારતના બજાર એક્સેસ માટે વ્યાપ વધારવામાં આવ્યો હોવાથી આ કેટેગરીમાંથી 95 ટકા ચીજોની નિયંત્રણમુક્ત નિકાસ થઈ શકશે.