Tue Jul 14 2026

Logo

નાશિકમાં બંદૂકની ધાકે 70 લાખ લૂંટ્યા:  મહિલા સહિત ચાર જણ મુંબઈથી પકડાયાં

2026-07-14 19:44:01
Author: Yogesh D. Patel
Article Image

નાશિક: નાશિકના પંચવટી વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં વેપારીને અંબર લાઇટ લાગેલી કારમાં બળજબરીથી બેસાડ્યા બાદ બંદૂકની ધાકે 70 લાખ રૂપિયા તેમ જ મોબાઇલ લૂંટનારી ટોળકીને પોલીસે મુંબઈથી ઝડપી પાડી હતી. આરોપીઓમાં મહિલાનો પણ સમાવેશ હોઇ તેમની પાસેથી રોકડ, શસ્ત્રો તથા અન્ય મતા જપ્ત કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર 8 જુલાઇના રોજ પોલીસના સ્વાંગમાં ત્રણ આરોપીઓએ વેપારીને અંબર લાઇટ લાગેલી કારમાં બળજબરીથી બેસાડ્યો હતો. આરોપીઓએ વેપારીને બંદૂક દેખાડીને ધમકાવ્યો હતો અને તેની પાસેની 70 લાખ રૂપિયા સાથેની બેગ તથા તેનો મોબાઇલ લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓ બાદમાં ત્યાંથી પલાયન થઇ ગયા હતા.

આ ઘટના બાદ વેપારીએ પંચવટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓની શોધ ચલાવાઇ હતી.દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મુંબઈમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ મુંબઈ આવી પહોંચી હતી અને મહિલા સહિત ચાર જણને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આરોપી પાસેથી 55.10 લાખની રોકડ, અંબર લાઇટ લાગેલી કાર, વિવિધ સરકારી વિભાગના બોગસ આઇડી કાર્ડ અને રબર સ્ટેમ્પ સહિત 82 લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી. એ સિવાય આરોપીઓ પાસેથી રિવોલ્વર અને રાઇફલ પણ જપ્ત કરાઇ હતી. (પીટીઆઇ)