Fri Oct 09 2026

Logo

State Funeral Protocol: નાના પાટેકરને મળ્યું 'રાજકીય સન્માન'! જાણો ભારતમાં કોને મળે છે State Funeral અને શું છે તિરંગો લપેટવાના નિયમો?

2026-10-09 15:09:59
Author: Darshana Visaria
State Funeral Protocol: નાના પાટેકરને મળ્યું 'રાજકીય સન્માન'! જાણો ભારતમાં કોને મળે છે State Funeral અને શું છે તિરંગો લપેટવાના નિયમો?

પુણે નજીક આવેલા ડોંજે ગામ ખાતે દિગ્ગજ અભિનેતા અને સામાજિક કાર્યકર નાના પાટેકરના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. નાના પાટેકરના ફિલ્મ અને સમાજસેવામાં અપ્રતિમ યોગદાનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તેમને આ સર્વોચ્ચ સન્માન આપ્યું હતું. આ ઘટના બાદ દેશમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે ભારતમાં 'રાજકીય અંતિમ સંસ્કાર'નું સન્માન કોને આપવામાં આવે છે અને તેના માટેના નિયમો શું છે. કોઈપણ વ્યક્તિ માત્ર જાણીતી કે સેલિબ્રિટી હોવાના કારણે તેને આપોઆપ રાજકીય સન્માન મળતું નથી, પરંતુ તેના માટે બંધારણીય પ્રોટોકોલ અને સરકારની સત્તાવાર મંજૂરી જરૂરી હોય છે. ચાલો જાણીએ શું છે સ્ટોરી... 

ભારતમાં કોને મળે છે રાજકીય અંતિમ સંસ્કાર?

પરંપરાગત પ્રોટોકોલ મુજબ, દેશના વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને સત્તાવાર રીતે રાજકીય અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. ફરજ દરમિયાન શહાદત વહોરનારા સશસ્ત્ર દળો અને પોલીસના જવાનોને સંપૂર્ણ સૈન્ય કે પોલીસ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવે છે.

કળા, સિનેમા, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત કે સમાજસેવા ક્ષેત્રે રાષ્ટ્ર માટે અસાધારણ યોગદાન આપનાર વિશિષ્ટ હસ્તીઓને પણ સરકાર પોતાના વિશેષાધિકાર અંતર્ગત આ સન્માન આપી શકે છે. નાના પાટેકરના કિસ્સામાં તેમના કલાજગત અને 'નામ ફાઉન્ડેશન' દ્વારા ખેડૂતો માટે કરાયેલા કાર્યોને સરકારે માન્યતા આપી હતી.

રાજકીય અંતિમ સંસ્કાર દરમિયાન શું પ્રોટોકોલ હોય છે?

નિયમ અનુસાર, પાર્થિવ દેહ કે શબપેટી પર રાષ્ટ્રધ્વજ લપેટવામાં આવે છે. અંતિમ વિધિ (અગ્નિદાહ કે દફનવિધિ) પહેલાં ધ્વજને સંપૂર્ણ સન્માનપૂર્વક ઉતારીને પરિજનોને સોંપવામાં આવે છે. પોલીસ કે સૈન્ય દળના જવાનો દ્વારા હવામાં ગોળીબાર (ગન સેલ્યુટ) કરીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. અંતિમ વિદાય વખતે શોક ધૂન વગાડવામાં આવે છે, જે રાષ્ટ્ર તરફથી અપાતી અંતિમ સલામીનું પ્રતીક છે.

'રાજકીય શોક' અને રાજકીય અંતિમ સંસ્કાર વચ્ચેનો તફાવત:

ઘણીવાર લોકો આ બંને બાબતોને એક જ માની લે છે, પરંતુ બંને અલગ છે. સરકાર જ્યારે સત્તાવાર શોકની જાહેરાત કરે છે, ત્યારે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે અને સરકારી મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવે છે. સરકાર રાજકીય અંતિમ સંસ્કાર આપ્યા વગર પણ માત્ર રાજકીય શોક જાહેર કરી શકે છે, અથવા બંને સન્માન એકસાથે પણ આપી શકે છે. આ સંપૂર્ણપણે સંબંધિત કેન્દ્ર કે રાજ્ય સરકારના વિવેકાધિકાર પર નિર્ભર કરે છે.