Fri Oct 09 2026

Logo

ભુજ બસ સ્ટેશન પરિસરમાં બ્રેક ફેલ થતાં 3 એસટી બસો વચ્ચે અકસ્માત, મોટી જાનહાનિ ટળી

2026-10-09 15:06:00
Author: Mumbai Samachar Team
ભુજ બસ સ્ટેશન પરિસરમાં બ્રેક ફેલ થતાં 3 એસટી બસો વચ્ચે અકસ્માત, મોટી જાનહાનિ ટળી

આઇકોનિક બસ પોર્ટમાં એકાએક બસ અનિયંત્રિત બની અન્ય બે બસો સાથે ભટકાઈ: યોગ્ય મેન્ટેનન્સ વિના બસો દોડાવવા મુદ્દે એસટી તંત્ર સામે રોષ 

ભુજ: કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સ્થિત સેન્ટ્રલ બસ સ્ટેશન પરિસરમાં એક એસટી બસની અચાનક બ્રેક ફેઇલ થઈ જતાં એકસાથે ત્રણ એસટી બસો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.ભરચક બસ સ્ટેશનમાં ધડાકાભેર બસો અથડાતાં પ્લેટફોર્મ પર હાજર મુસાફરો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, ભુજ બસ સ્ટેશનમાં નિયત પ્લેટફોર્મ તરફ આવી રહેલી એક એસટી બસની બ્રેક એકાએક ફેઇલ થઈ ગઈ હતી. ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં અનિયંત્રિત બસ ત્યાં ઊભેલી અન્ય બે બસો સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ટક્કરના પગલે બસમાં બેઠેલા તેમજ પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી.

આ બનાવના પગલે એસટી તંત્રની કાર્યપ્રણાલી અને બસોના યોગ્ય મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થળ પર હાજર મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, વિભાગ દ્વારા બસોની ટેકનિકલ યોગ્યતા અને નિયમિત સર્વિસિંગની પૂરતી ચકાસણી કર્યા વિના જ તેને માર્ગો પર દોડાવી દેવામાં આવે છે, જેના કારણે નિર્દોષ મુસાફરો અને સામાન્ય નાગરિકોના જીવ સતત જોખમમાં મુકાઈ રહ્યા છે. અકસ્માત બાદ બસ સ્ટેશનના સુરક્ષા સ્ટાફ તેમજ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)