મુંબઈ: જો ઈન્દોર સૌથી સ્વચ્છ શહેરનો દરજ્જો મેળવી શકે છે તો મુંબઈ સ્વચ્છતામાં સમાન સફળતા કેમ મેળવી શકતું નથી? બોમ્બે હાઈ કોર્ટે પ્રશ્ન કર્યો હતો સાથે નોંધ્યું હતું કે નાગરિક સંસ્થાના અધિકારીઓ જાહેર રસ્તાઓ કચરામુક્ત રાખવા માટે બંધાયેલા છે.
અદાલતે પુણે જિલ્લાના મોશી ખાતે કચરાના પ્લાન્ટની ઇમારત ધરાશાયી થવાની તાજેતરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મુંબઈમાં આવી ઘટના ન થવી જોઈએ, કારણ કે મુંબઈમાં પણ કચરાના ઢગલા ખડકાયેલા છે.
ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને આરતી સાઠેની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે સ્થાનિક નાગરિક સંસ્થા અને નાગરિકો બંને પક્ષે ઈચ્છાશક્તિનો અભાવ છે. પરિણામે મુંબઈમાં રસ્તાઓ પર કચરો થાય છે, જેના કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાય છે અને સ્વાસ્થ્યને લગતા અન્ય જોખમો ઊભા થાય છે.
ઉપનગરીય કાંજુરમાર્ગમાં ડમ્પિંગ ગ્રાઉન્ડની આસપાસ રહેતા રહેવાસીઓ માટે પ્રદૂષણ, સતત દુર્ગંધ, ગેસ ઉત્સર્જન અને આરોગ્ય જોખમો અંગે ચિંતા વ્યક્ત કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી.
ન્યાયપીઠે થૂંકવા બદલ દંડની રકમ ૨૦૦ રૂપિયાથી વધારીને ૨,૦૦૦ રૂપિયા કરવા કહ્યું હતું. અદાલતે વધુમાં નોંધ્યું હતું કે રસ્તાઓ પર કચરો પડેલો ન રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વોર્ડ અધિકારીઓની છે.
બેન્ચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને દરેક વોર્ડ અધિકારીઓને રસ્તાઓ પર પડેલો કચરો તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપવાનો નિર્દેશ આપ્યો હતો . ઘન કચરા માટેના નિયમોનો કડક અમલ કરવાનો કોર્ટે આગ્રહ રાખ્યો હતો. બેન્ચે આ મામલે ચાર અઠવાડિયા પછી વધુ સુનાવણી હાથ ધરશે.