થાણે: ભારતમાં ગેરકાયદે પ્રવેશ મેળવ્યા પછી માન્ય દસ્તાવેજીકરણ વગર વસવાટ કરનારી બે બાંગ્લાદેશ મહિલાને થાણેની સેશન્સ કોર્ટે બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.
એડિશનલ સેશન્સ જજ વી. જી. મોહિતેએ મંગળવારે આપેલા આદેશમાં બન્ને આરોપી શહનાઝ બિલાલ સદ્દાર (43) અને હસિના જબ્બાર ખાન (45)ને તેમની વિરુદ્ધના આરોપમાં કસૂરવાર ઠેરવી હતી.
નમ્રતાપૂર્વક દયાની અરજી કરતા બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે બન્ને મહિલા ગરીબ પરિવારમાંથી આવે છે, પરિણીત છે, તેમનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી અને બન્ને પોતપોતાના પરિવારમાં એકમાત્ર કમાનારી વ્યક્તિ છે.
અરજીનો સ્વીકાર કરી કોર્ટે બન્ને મહિલાને ફોરેનર્સ ઍક્ટ અને પાસપોર્ટ ઍક્ટનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવી હતી. ત્રીજી ડિસેમ્બર, 2024ના ધરપકડ થઈ ત્યારથી બન્ને આરોપી જેલમાં હોવાથી એટલો સમયગાળો સજામાંથી બાકાત કરવાનું કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે બે વર્ષની કેદની સાથે બન્ને આરોપીને વ્યક્તિદીઠ 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
ફરિયાદ પક્ષ અનુસાર પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે ત્રીજી ડિસેમ્બર, 2024ના રોજ મીરા રોડ પરિસરમાં રેઇડ કરી બન્ને મહિલાની ધરપકડ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ ગેરકાયદેસર ભારતની સરહદ ઓળંગી હતી અને સહઆરોપીએ તેમને થાણેમાં રહેવાની સગવડ કરી આપી હતી.
(પીટીઆઈ)