હાઈ કોર્ટની ટકોર: 'આમ જ ચાલશે તો ભવિષ્યમાં શ્વાસ લેવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે લઈને ફરવું પડશે'
મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 847 મેન્ગ્રોવ્ઝ કાપવાની પરવાનગી માગતી અરજી પર બોમ્બે હાઈ કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. કોર્ટે વૃક્ષારોપણ કર્યા પછી તેની જાળવણી ન કરવા બદલ સરકારને ફટકાર લગાવી હતી અને ચેતવણી આપી હતી કે જો આ જ રીતે હરિયાળીનો વિનાશ ચાલુ રહેશે, તો નજીકના ભવિષ્યમાં નાગરિકોએ શ્વાસ લેવા માટે ઓક્સિજન સિલિન્ડર પર નિર્ભર રહેવું પડશે.
બોમ્બે હાઇ કોર્ટે મુંબઈ શહેરમાં મેન્ગ્રોવ્ઝ વન વિસ્તારમાં સતત થઈ રહેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતા ટિપ્પણી કરી હતી કે જો આ જ રીતે હરિયાળીમાં ઘટાડો થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં લોકોને 'શ્વાસ લેવા માટે ઓક્સિજનના સિલિન્ડર'ને સાથે રાખીને ચાલવું પડશે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અખંડની બેન્ચે આ ટિપ્પણી મહારાષ્ટ્ર રાજ્ય ઇલેકટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (એમએસઈટીએલ)ની એક અરજી પર સુનવાણી દરમિયાન કરી હતી.
847 મેન્ગ્રોવ્ઝ કાપવાની પરવાનગી માંગી
કંપનીએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પાલઘર જિલ્લામાં દહાણુથી અંબેસારી સુધી 132 કેવીની ટ્રાન્સમિશન લાઈન નાખવા માટે કંપનીએ 847 મેન્ગ્રોવ્ઝના વૃક્ષો કાપવાની પરવાનગી માંગી હતી. બેન્ચે નોંધ્યું હતું કે મુખ્ય ચિંતા મેન્ગ્રોવ્ઝના વૃક્ષો કાપવાની નથી, પરંતુ તેના બદલે વાવવામાં આવેલા રોપાઓનું અસ્તિત્વ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનું છે.
હાઇ કોર્ટે લગાવી ફટકાર
કોર્ટે કહ્યું કે "સૌથી મોટી સમસ્યા એ છે કે તમે ફરીથી વૃક્ષારોપણ કરતા નથી. તમે વાવેલા રોપાઓ સુકાઈને મરવા લાગે છે. તમે માત્ર એ દર્શાવવા માટે તસવીરો લો છો કે તમે કંઈક વાવ્યું છે. વૃક્ષારોપણ કર્યા પછી તે છોડવાઓ જીવિત રહ્યા છે કે નહીં તે તપાસવાની પણ તમે તસ્દી લેતા નથી." બેન્ચે અસરગ્રસ્ત વિસ્તારની બહાર વળતરરૂપે વૃક્ષારોપણ કરવાના પ્રસ્તાવ પર પણ સવાલ ઉઠાવ્યો અને જણાવ્યું હતું કે, જ્યાં પહેલેથી જ ગીચ જંગલ હોય તેવા સ્થળે વૃક્ષો વાવી શકાતા નથી.
રાજ્યસરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ જણાવ્યું હતું કે, બીજી જગ્યાએ વૃક્ષારોપણ કરવાને બદલે સરકાર તે જ વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત વન-ભૂમિની ઓળખ કરશે અને ત્યાં વૃક્ષારોપણ હાથ ધરશે. તેમણે કહ્યું હતું કે અમે ક્ષતિગ્રસ્ત વન-ભૂમિની ઓળખ કરીશું. જોકે, આમાં સમય લાગશે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૂચિત ૧૩.૦૬ કિલોમીટર લાંબી ટ્રાન્સમિશન લાઇન માટે ૩.૩૫ હેક્ટર વન-ભૂમિના ઉપયોગમાં ફેરફાર કરવાની જરૂર છે, જેમાં ૧.૯૬૫૬ હેક્ટર મેન્ગ્રોવ્ઝ (ચેર) જંગલનો સમાવેશ થાય છે.
2018માં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
વર્ષ 2018માં બોમ્બે હાઈ કોર્ટે પોતાની પરવાનગી વિના મેન્ગ્રોવ્ઝના વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો ત્યારથી મેન્ગ્રોવ્ઝ કાપવાનો સમાવેશ કરતા તમામ જાહેર માળખાગત પ્રોજેક્ટ્સ માટે કોર્ટની મંજૂરી મેળવવી ફરજિયાત બની ગઈ છે. હાઈ કોર્ટે આ અરજી અંગેનો પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.