થાણે: પ્રસ્તાવિત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવની નોંધણી માટે 1.25 લાખ રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ થાણે ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદીએ પ્રસ્તાવિત યુનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રિમાઇસીસ કોઓપરેટિવ સોસાયટીની નોંધણી માટે ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક સાધ્યો હતો.
થાણે એસીબીનાં ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રૂપાલી પોળે જણાવ્યું હતું કે પ્રક્રિયા દરમિયાન આરોપી સુધાકર બળીરામ રાઠોડે 1.25 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેમાંથી તેના સિનિયર અધિકારી માટે એક લાખ રૂપિયા અને પોતાના માટે પચીસ હજાર રૂપિયા હતા.
ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. એસીબીના અધિકારીઓએ આ પ્રકરણે તપાસ કરી હતી, જેમાં લાંચ માગવામાં આવી હોવાની પુષ્ટિ થઇ હતી. આથી આરોપી વિરુદ્ધ થાણે નગર પોલીસ સ્ટેશનમાં મંગળવારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)