Wed Jul 15 2026

Logo

રેલવે સ્ટેશન પાછળ લખેલા 'જંક્શન', 'સેન્ટ્રલ' કે 'ટર્મિનલ'નો અર્થ શું છે? જાણો આ ખાસ તફાવત!

2026-07-15 17:32:06
Author: Darshana Visaria
Article Image

ભારતીય રેલવે (ઈન્ડિયન રેલવે) એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. તમે પણ ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે રેલવે સ્ટેશનના નામની પાછળ 'જંક્શન', 'સેન્ટ્રલ', 'ટર્મિનલ' કે 'સ્ટેશન' જેવા શબ્દો જોયા હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નામ પાછળનો અર્થ શું છે? આજે આપણે આ શબ્દો વચ્ચેનો તફાવત સમજીશું... 

રેલવે સ્ટેશન:

સૌથી પહેલાં વાત કરીએ રેલવે સ્ટેશનની. આ સૌથી સામાન્ય શબ્દ છે. જે સ્થળે ટ્રેન આવીને ઉભી રહે છે અને મુસાફરો ઉતરી કે ચઢી શકે છે, તેને રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. લગભગ દરેક સ્ટેશન પર ટ્રેન આવવા-જવા માટે એક કે તેથી વધુ પ્લેટફોર્મ હોય છે.

જંક્શન:

જ્યારે કોઈ સ્ટેશન પર ટ્રેનો આવવા અને જવા માટે ત્રણ કે તેથી વધુ અલગ-અલગ રૂટ (માર્ગો) હોય, ત્યારે તેને 'જંક્શન' કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો, જે સ્ટેશનથી ટ્રેન ઓછામાં ઓછા બે અલગ દિશામાં જઈ શકે, તે જંક્શન છે. ઉદાહરણ તરીકે: મથુરા જંક્શન.

ટર્મિનલ અથવા ટર્મિનસ:

આ એવા સ્ટેશનો છે જ્યાં ટ્રેનનો રૂટ પૂરો થઈ જાય છે. ટર્મિનસ સ્ટેશનની આગળ ટ્રેન જઈ શકતી નથી; ટ્રેનને તે જ દિશામાં પાછી વાળવી પડે છે. આ સ્ટેશન પર ટ્રેનનું આગમન અને પ્રસ્થાન એક જ દિશામાંથી થાય છે. ઉદાહરણ તરીકે: બાંદ્રા ટર્મિનસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ.

સેન્ટ્રલ:

'સેન્ટ્રલ' શબ્દ સામાન્ય રીતે તેવા સ્ટેશનોને આપવામાં આવે છે જે શહેરના સૌથી મુખ્ય અને વ્યસ્ત સ્ટેશન હોય છે. આ સ્ટેશન શહેરના મધ્યમાં આવેલા હોય છે અને ત્યાંથી સૌથી વધુ ટ્રેનોની અવરજવર થતી હોય છે. તે શહેરનું સૌથી મોટું અને મહત્વનું સ્ટેશન ગણાય છે. ઉદાહરણ તરીકે: મુંબઈ સેન્ટ્રલ, ચેન્નાઈ સેન્ટ્રલ, કાનપુર સેન્ટ્રલ.