નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ને મંજૂરી આપી છે. જેને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સ્થાનિક મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ(MPMS)ને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી ભારતમાં સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ મળશે.
વર્ષ 2021 માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું
કેન્દ્ર સરકારે વર્ષ 2021 માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું હતું. જેનો પ્રથમ તબક્કો ચિપ મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ યુનિટ્સને આકર્ષવા પર કેન્દ્રિત હતો. જ્યારે સરકારે હવે બીજા તબક્કાની જાહેરાત કરી છે. જે ફક્ત ચિપ મેન્યુફેક્ચરિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવાનો પણ હેતુ રાખશે.
મિશન માટે ₹1.25 લાખ કરોડના પ્રસ્તાવને મંજૂરી
મિનિસ્ટરી ઓફ ટેકનોલોજીએ આ મિશન માટે ₹1.25 લાખ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેમજ સરકારે આ વર્ષના બજેટમાં 'સેમિકન્ડક્ટર મિશન 2.0' ની જાહેરાત કરી હતી.
ચિપ ઉત્પાદન માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનશે
આ મિશન હેઠળ ભારતમાં ફુલ-સ્ટેક સેમિકન્ડક્ટર ઇન્ટરએકચયુલ પ્રોપર્ટી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેના લીધે દેશમાં ચિપ ઉત્પાદન માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનશે. જેમાં ચિપ ડિઝાઇન અને ફેબ્રિકેશનથી લઈને અદ્યતન ટેકનોલોજી વિકાસ સુધીની દરેક બાબત પર ભાર મૂકવામાં આવશે.