મુંબઈ: મુંબઈ એસી લોકલ ટ્રેનમાં કૂલિંગ સિસ્ટમ બગડવાની ઘટના બાદ સેન્ટ્રલ રેલવેએ નવા નિયમો બનાવ્યા છે. ટિટવાલા-સીએસએમટી એસી લોકલ ટ્રેનમાં એસીમાં ખામી સર્જાવાને કારણે ત્રણ મુસાફરો બીમાર પડવાની ઘટના બાદ સેન્ટ્રલ રેલવેએ એક નવો ઓપરેશન નિયમ અમલમાં મૂક્યો છે. નવા પ્રોટોકોલ મુજબ જો મુસાફરી દરમિયાન AC લોકલની કૂલિંગ સિસ્ટમમાં ખામી સર્જાશે તો લોકલ ટ્રેનને આગામી સ્ટેશન પર રોકી દેવામાં આવશે. તમામ મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવશે, તે રેકને તાત્કાલિક સેવામાંથી હટાવી લેવામાં આવશે અને માત્ર તપાસ બાદ જ તેને ફરીથી સેવામાં મૂકવામાં આવશે.
પશ્ચિમ રેલવેએ શું કહ્યું?
સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ ડૉ. સ્વપ્નિલ નિલાએ જણાવ્યું હતું કે સોમવારે બનેલી ઘટના અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. ટ્રેન ચાલુ હોવા દરમિયાન ભારે ભીડને કારણે ટ્રેન ટ્રેક્શન સુપરવાઇઝર અસરગ્રસ્ત કોચ સુધી પહોંચી શક્યા નહોતા, પરિણામે ઓનબોર્ડ (રસ્તામાં) તકનીકી તપાસ થઈ શકી નહોતી. રેલવે અધિકારીના દાવા અનુસાર જ્યારે રેક કારશેડમાંથી નીકળી ત્યારે તેમાં કોઈ ટેક્નિકલ ખામી નહોતી અને એસી સિસ્ટમની સમસ્યા મુસાફરી વખતે ઊભી થઈ હતી.
શું હતો આ સમગ્ર મામલો?
આ ઘટના સોમવારે સવારે 8.33 વાગ્યે ઉપડનારી ટિટવાલા-સીએસએમટી એસી લોકલ ટ્રેનની છે. રેલવેના જણાવ્યા અનુસાર દિવા સ્ટેશન પસાર કર્યા બાદ ટ્રેનની એસી સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. આમ છતાં ટ્રેન લગભગ 15થી 16 મિનિટ સુધી ચાલુ રહી હતી અને ત્યારબાદ મુલુંડ સ્ટેશન પહોંચી હતી. પીકઅવર્સને કારણે લોકલ ટ્રેનના કોચમાં ભારે ભીડ હતી. એર કન્ડિશનિંગ કામ કરતું નહીં હોવાથી પ્રવાસીઓને ગૂંગળામણ (સફોકેશન) થવા લાગ્યું હતું અને તેમાંથી ત્રણ પ્રવાસીઓ બીમાર પડ્યા હતા.
આ ત્રણેયને મુલુંડ સ્ટેશન પર નીચે ઉતારવામાં આવ્યા હતા. તેમાંથી બે પ્રવાસીઓને સારું લાગતાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા, જ્યારે ફહીમ અંસારી નામના મુસાફરને શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડપ્રેશર વધી જવાની ફરિયાદને કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તેને તે જ દિવસે રજા આપવામાં આવી હતી.