એડિનબર્ગઃ ખેલકૂદપ્રેમીઓએ ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપની ભરપૂર મોજ માણી રહ્યા છે ત્યારે ક્રિકેટની સર્વોચ્ચ સંચાલક સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફૉર્મેટમાં બે નવા રસપ્રદ ફેરફાર રજૂ કર્યા છે. 2027ના વન-ડે વર્લ્ડ કપમાં અને 2028ના ટી-20 વિશ્વ કપમાં આ ફેરફાર અમલી બનાવવામાં આવશે.
વન-ડે અને ટી-20 વર્લ્ડ કપને વધુ રસપ્રદ, રોમાંચક અને સ્પર્ધાત્મક બનાવવા આઇસીસીએ વન-ડે વર્લ્ડ કપમાં `સુપર-સેવન'નો તબક્કો ઉમેર્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં હવેથી સુપર-એઇટને બદલે સુપર-ટેન (Super-10) તબક્કો રાખવામાં આવશે. સ્કૉટલૅન્ડના પાટનગર એડિનબર્ગમાં આયોજિત વાર્ષિક પરિષદમાં આઇસીસીએ આ નિર્ણયો લીધા હતા.
2027ના વન-ડે વર્લ્ડ કપમાં શું ફેરફાર કરાયો?
(1) 2027નો વિશ્વ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે યોજાશે.
(2) એ વર્લ્ડ કપ 10ને બદલે 14 ટીમનો હશે, પણ ગ્રૂપ-સ્ટેજના રાઉન્ડ પહેલાં સુપર સિરીઝ રાઉન્ડ યોજાશે, જ્યારે સેમિ ફાઇનલ પહેલાં સુપર-સેવન રાઉન્ડ યોજવામાં આવશે.
(3) 12, 13 અને 14મા સ્થાને ક્વૉલિફાય થનારી ટીમ વચ્ચે સુપર સિરીઝ રાઉન્ડ રમાશે. એમાં સૌથી સારું પર્ફોર્મ કરનારી ટીમ મુખ્ય 11 ટીમમાં જોડાશે એટલે કુલ ટીમની સંખ્યા 12 થશે.
(4) 12 ટીમને છ-છ ટીમના બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. બન્ને ગ્રૂપની ટોચની ત્રણ-ત્રણ ટીમ તેમ જ બન્ને ગ્રૂપને ધ્યાનમાં લઈએ તો વધુ એક બેસ્ટ ટીમ (કુલ મળીને સાત ટીમ) સુપર-સેવન રાઉન્ડમાં પહોંચશે અને એમાં ટોચના ચાર સ્થાને રહેનારી ટીમ સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે.
2028ના ટી-20 વર્લ્ડ કપમાં શું ફેરફાર કરાયો?
(1) 2028માં ટી-20નો વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડમાં સંયુક્ત રીતે યોજાશે.
(2) આ વર્લ્ડ કપમાં કુલ 20 દેશની ટીમ ભાગ લેશે. આ 20 ટીમને ચાર-ચારના કુલ પાંચ ગ્રૂપમાં વહેંચવામાં આવશે.
(3) દરેક ગ્રૂપની ટોચની બે-બે ટીમ સુપર-ટેન રાઉન્ડમાં પહોંચશે. અગાઉ સુપર-એઇટ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો.
(4) આ વર્લ્ડ કપના ફૉર્મેટમાં બે નૉકઆઉટ મૅચનો ઉમેરો કરવામાં આવ્યો છે.
(5) 20 ટીમ વચ્ચે કુલ પંચાવન મૅચ રમાશે. ફર્સ્ટ રાઉન્ડની ગ્રૂપ મૅચોની સંખ્યા 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે. જોકે બીજા રાઉન્ડની મૅચોની સંખ્યા 12થી વધારીને 20 કરાઈ છે.
(6) સેમિ ફાઇનલના તબક્કા પહેલાં બે `એલિમિનેટર' મૅચ રમાશે જે ક્વૉર્ટર ફાઇનલ જેવી જ ગણાશે.
(7) સુપર-ટેન રાઉન્ડની 10 ટીમને પાંચ ટીમના બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે.
(8) આ બન્ને ગ્રૂપની સર્વોત્તમ (પ્રથમ નંબરની) ટીમ સીધી સેમિ ફાઇનલમાં પહોંચશે. જોકે બન્ને ગ્રૂપની બીજા-ત્રીજા નંબરની ટીમ (સામેવાળા ગ્રૂપની ટીમ) સામે રમશે જે `એલિમિનેટર' તરીકે ઓળખાશે. એક ગ્રૂપની બીજા નંબરની ટીમ સામા ગ્રૂપની ત્રીજા નંબરની ટીમ સામે રમશે. આવા બે `એલિમિનેટર'ની બન્ને વિજેતા ટીમ સેમિ ફાઇનલમાં જશે. બે સેમિ ફાઇનલમાં વિજેતા થનારી ટીમ ફાઇનલમાં ટકરાશે.