Mon Sep 07 2026

Logo

ઇન્કમ ટેક્સના અધિકારીના સ્વાંગમાં વેપારીની ઑફિસમાં રેઇડ પાડીને એક કરોડની ખંડણી માગી

2026-09-05 20:16:48
Author: Yogesh D. Patel
ઇન્કમ ટેક્સના અધિકારીના સ્વાંગમાં વેપારીની ઑફિસમાં રેઇડ પાડીને એક કરોડની ખંડણી માગી

કર્મચારીઓના મોબાઇલ આંચકી લઇ તેમને ધમકાવ્યા: ત્રણ મહિલા સહિત છની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અંધેરી પૂર્વમાં વેપારીની ઓફિસમાં ઇન્કમ ટેક્સ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં રેઇડ પાડીને એક કરોડ રૂપિયાની ખંડણી માગવા બદલ પોલીસે ત્રણ મહિલા સહિત છ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ વેપારીની ઓફિસના તમામ કર્મચારીઓના મોબાઇલ આંચકી લઇ તેમને ધમકાવ્યા હતા, જ્યારે આરોપીના સાથીદારો વેપારી અને તેની પત્નીનું કારમાં અપહરણ કરી તેમને ઓફિસ લઇ આવ્યાં હતાં. 

અંધેરી પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સંતોષ ઉદય ખોપટકર (37), વિનય રમેશ મોરે (37), પ્રેમ કિસન સબનાની (50), પ્રજ્ઞા હરીશ માઇન (27), રેશમા શામરાવ વારંગ (41) અને સબીના હાફીઝ શેખ (48) તરીકે થઇ હતી. આરોપીઓના ફરાર સાથીદારોની પોલીસ શોધ ચલાવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાકીનાકા વિસ્તારમાં પરિવારજનો સાથે રહેતો વેપારી રાજકુમાર ક્ધડસમી અંધેરી પૂર્વમાં ચકાલા ખાતે ઓફિસ ધરાવે છે. 17 જુલાઇ, 2026ના રોજ ઓફિસથી ઘરે આવ્યા બાદ વેપારીને તેના કર્મચારીઓ કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે ઓફિસમાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ રેઇડ પાડી છે અને ઓફિસના તમામ કર્મચારીઓનો મોબાઇલ તેમણે આંચકી લીધા છે તથા સીસીટીવી કેમેરા બંધ કરાવી દીધા છે.

વેપારી તેના કર્મચારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કર્મચારીનો મોબાઇલ એક વ્યક્તિએ લઇ લીધો હતો અને વેપારીને કહ્યું હતું કે તમારી ઓફિસમાં આઇડીની રેઇડ પડી છે, તમે અહીં તાત્કાલિક આવી જાઓ, નહીં તો તમને જબરજસ્તીથી અહીં લાવવામાં આવશે.

ગભરાયેલો વેપારી તેની પત્ની સાથે ઓફિસ આવવા નીકળ્યો ત્યારે ઇમારતની ગેટ બહાર ઊભેલા બે શખસે તેમને રોક્યા હતા અને કારમાં અપહરણ કરી તેમને ઓફિસમાં લઇ જવાયા હતા, જ્યાં ત્રણ મહિલા સહિત નવ જણ હાજર હતાં, જેમણે તેમની ઓળખ ઇન્કમ ટેક્સ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. તેમણે ઓફિસમાં દસ્તાવેજો ચકાસ્યા હતા અને બાદમાં કાર્યવાહીથી બચવું હોય તો એક કરોડ રૂપિયાની માગણી કરી હતી.

રૂપિયા ન આપે તો કાર્યવાહી કરવાની ધમકી આપી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. દરમિયાન વેપારીએ તેમના સીએને તપાસ કરવા ઇન્કમ ટેક્સ વિભાગમાં મોકલ્યો હતો, જયાં જાણવા મળ્યું હતું કે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આવી કોઇ રેઇડ પાડવામાં આવી નથી. આથી વેપારીએ અંધેરી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. પોલીસ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે છ આરોપીને ઝડપી પાડ્યાં હતાં.