Mon Sep 07 2026

Logo

દહીં-હાંડી દરમિયાન 118 ગોવિંદાઓ ઈજાગ્રસ્ત! પિરામિડ તૂટતાં હોસ્પિટલમાં દાખલ

2026-09-05 20:34:16
Author: Mumbai Samachar Team
દહીં-હાંડી દરમિયાન 118 ગોવિંદાઓ ઈજાગ્રસ્ત! પિરામિડ તૂટતાં હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: મહારાષ્ટ્રભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દહીં-હાંડી ઉત્સવ ભારે ઉત્સાહ, જોશ અને "ગોવિંદા આલા રે ગોપાલા"ના ગગનભેદી નારાઓ સાથે ઉજવાયો હતો. જોકે, ઊંચાઈ પર લટકાવેલી દહીં-હાંડી ફોડવા માટે રચાતા બહુમાળી માનવ પિરામિડ (હ્યુમન પિરામિડ) દરમિયાન સર્જાયેલા અકસ્માતોમાં મુંબઈ અને થાણે મળીને સાંજે છ વાગ્યા સુધી કુલ 118 ગોવિંદાઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. બીજી તરફ, પુણેમાં કાર્યક્રમ બાદ ટેન્ટનું ભારે લોખંડનું સ્ટ્રક્ચર માથા પર પડવાથી એક 45 વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ થતાં ઉત્સવના રંગમાં ભંગ પડ્યો હતો.

મુંબઈમાં 118 અને થાણેમાં પણ અનેક ગોવિંદાઓ ઘાયલ

પાલિકાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈના વિવિધ વિસ્તારોમાં માનવ પિરામિડ બનાવતી વખતે બેલેન્સ બગડતાં 118 ગોવિંદાઓ નીચે પટકાયા હતા.  ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાલિકા સંચાલિત વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી પ્રાથમિક સારવાર બાદ ગોવિંદાઓને રજા આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. પાડોશી જિલ્લા થાણેમાં પણ અલગ-અલગ મંડળોના હ્યુમન પિરામિડ તૂટવાને કારણે અનેક ગોવિંદાઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

પુણેમાં લોખંડની ફ્રેમ પડતાં મહિલાનું મોત:

દહીં-હાંડીની ઉજવણી વચ્ચે પુણેના જૂની સાંગવી વિસ્તારમાં કાર્યક્રમ સંપન્ન થયા બાદ ભારે લોખંડનું સ્ટ્રક્ચર હટાવતી વખતે નીચે ઊભેલી 45 વર્ષીય મહિલા સલમા પઠાણ પર પડતાં તેમનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.

ઉત્સવ અને સુરક્ષાના પડકારો:

મુંબઈ, થાણે, નવી મુંબઈ અને કલ્યાણ પંથકમાં ગોવિંદા પથકોએ સાતથી આઠ થરના પિરામિડ રચીને ઉત્સાહપૂર્વક હાંડીઓ ફોડી હતી. પ્રશાસન દ્વારા સેફ્ટી નેટ્સ, હેલ્મેટ, ચેસ્ટ ગાર્ડ અને એમ્બ્યુલન્સની સુવિધાઓ રાખવામાં આવી હોવા છતાં દર વર્ષની જેમ આ વખતે પણ અસંતુલનને કારણે ઈજાઓની ઘટનાઓ સામે આવી છે.