સિડનીઃ ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમ્યાન પાકિસ્તાનની ટેસ્ટ ટીમ ત્રણ મૅચવાળી શ્રેણીની પહેલી બન્ને મૅચ ખરાબ રીતે હારી જતાં સિરીઝની ટ્રોફી ગુમાવી બેઠી એને પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અને ખાસ કરીને ચીફ સિલેક્ટર આકીબ જાવેદે આકરું પગલું ભરીને મોહમ્મદ રિઝવાન અને ઇમામ ઉલ હક સહિત ટીમના સાત ખેલાડીને તેમ જ હેડ-કોચ સરફરાઝ અહમદ તથા બોલિંગ-કોચ ઉમર ગુલની ઇંગ્લૅન્ડના પ્રવાસમાંથી હકાલપટ્ટી કરી એને પગલે પાકિસ્તાનના ભૂતપૂર્વ હેડ-કોચ જેસન ગિલેસ્પીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની તેમ જ ચીફ સિલેક્ટર આકીબ જાવેદની ટીકા કરી છે.
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પી (Gillespie)એ 2024ની સાલમાં આઠ મહિના સુધી પાકિસ્તાનની નૅશનલ ટીમને કોચિંગ આપ્યું હતું. એ અરસામાં પાકિસ્તાને ઇંગ્લૅન્ડને 2-1થી સિરીઝમાં હરાવ્યું હતું એમાં ગિલેસ્પીનું મોટું યોગદાન હતું. પાકિસ્તાનની ટીમ વિશેના તાજેતરના આકરાં પગલાં વિશે ગિલેસ્પીએ ઑસ્ટ્રેલિયાના એક જાણીતા અખબારને ટીમ સિલેક્શનની બાબતમાં પીસીબી અને આકીબની ટીકા કરતી વખતે કહ્યું, `તેઓ નિર્ણય પર ટકી નથી રહેતા, ફટાફટ બદલી નાખે છે. ઘડીકમાં આ અને ઘડીકમાં પેલું. તેઓ નિર્ણય બહુ ઝડપથી અને વારંવાર બદલી નાખે છે.
તેમની પાસે ટીમ સિલેક્શનને લગતી કોઈ વ્યૂહરચના છે જ નહીં. ખાસ કરીને આકીબ જાવેદ (Aaqib Javed)ના અધ્યક્ષસ્થાનમાં તો નહીં જ. તે મને અને ભૂતપૂર્વ વાઇટ બૉલ કોચ ગૅરી કર્સ્ટનને દોષી ગણાવે છે. કમાલ કહેવાય! તેની વાતમાં કંઈ દમ છે? તેણે પોતે શું ભૂલ કરી છે એ તેણે જોવું જોઈએ.'
પાકિસ્તાની ખેલાડીઓ ટીમમાં પોતાના સ્થાન વિશે ચિંતિત હોય છે એવા અર્થમાં ગિલેસ્પીએ કહ્યું, `મને પાકિસ્તાની ખેલાડીની દયા આવે છે. ક્રિકેટ રમીને જ તેઓ પરિવાર માટે રોજીરોટી કમાતા હોય છે. દૂરથી મને તો લાગે છે કે આ ખેલાડીઓ મનમાં કંઈક ડર રાખીને રમતા હોય છે.'
ગિલેસ્પીએ એવું પણ કહ્યું કે `સલમાન અલી આગાને ઇંગ્લૅન્ડમાં પ્રથમ ટેસ્ટમાં કૅપ્ટન્સી સોંપાઈ હતી, બીજી ટેસ્ટમાં ટીમની બહાર કરી નાખવામાં આવ્યો અને ત્રીજી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં તેને સ્વદેશ પાછા આવી જવા પ્લેનમાં બેસી જવા કહેવામાં આવ્યું હતું.'