ચેન્નઈ: દુલીપ ટ્રોફીની ફાઈનલમાં સાઉથ ઝોન સામે ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને શાનદાર 270 રન ફટકાર્યા હતા. કિશનના કરિયરમાં અનેક ઉતાર ચઢાવ રહ્યા હતા. બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાન કિશને કહ્યું કે તેણે પોતાની કારકિર્દીના ખરાબ તબક્કામાં ‘વધુ પડતો વિચાર’ કર્યા વિના અને "અપેક્ષાઓ" પરથી પોતાનું મન હટાવીને ફક્ત બેટિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તેના પરિણામોથી તે ખૂબ ખુશ છે.
બીજા દિવસની રમતના અંતે ઈશાન કિશને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે "મેં મારી જાતને બદલવાનો કોઈ ખાસ પ્રયાસ કર્યો નથી. તે સ્વાભાવિક રીતે થયું. જ્યારે હું (ભારત) ટીમમાંથી બહાર હતો ત્યારે મને સમજાયું કે અમારે આખરે ફક્ત એક જ કામ કરવાનું છે. ફક્ત રન બનાવવાનું. તે જ એકમાત્ર વસ્તુ છે જે તમને તમારી કારકિર્દીમાં મદદ કરે છે."
વધુમાં ઈશાન કિશને કહ્યું હતું કે "અન્ય કોઈ પણ વિચારો તમારા મગજને ભટકાવી શકે છે. તમને વધુ પડતું વિચારવા માટે મજબૂર કરી શકે છે અને તમારા પર બિનજરૂરી દબાણ લાવી શકે છે. મને સમજાયું કે તે ફાલતું બાહ્ય વિચારોની જરૂરી નથી. અમારું કામ ટીમ માટે મેચ જીતવાનું છે. તમારે ફક્ત આટલી જ કાળજી લેવી જોઈએ. તમે સમય સાથે બદલાતા રહો છો અને મને લાગે છે કે જ્યારે તમે તમારું મન સ્પષ્ટ રાખો છો ત્યારે આ રીતે રમવું ખૂબ સરળ બને છે,"
2023માં કિશન ભારત માટે ઓલ-ફોર્મેટ ખેલાડી હતો, પરંતુ કેટલીક અણધારી ઘટનાઓના કારણે તેણે બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ ગુમાવ્યો હતો. પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં સખત મહેનત કરી. રણજી ટ્રોફી (2025-26)માં સદી ફટકારી અને ઝારખંડને તે સીઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતવામાં મદદ કરી હતી, જેમાં બે સદી સાથે 517 રન કર્યા હતા.
તેણે કહ્યું હતું કે "આજકાલ હું જે શ્રેષ્ઠ કરી રહ્યો છું તે કંઈપણ વિશે વિચારવાનો નથી. બેટ્સમેન તરીકે મારું કામ ફક્ત ત્યાં જવાનું, બોલ જોવાનો અને તેના પર પ્રતિક્રિયા આપવાનું છે અને કોઈ અપેક્ષાઓ રાખવાનો નથી.
તમે સાચો નિર્ણય લઈ રહ્યા છો કે નહીં તે અંગે તમારા વિચારો શાંત કરવા પડે છે. ફાઇનલમાં આવતા કિશને કહ્યું કે તેણે પોતાનું ધ્યાન ફરીથી કેન્દ્રિત કર્યું. ધીમે ધીમે બેટ્સમેનો સાથે વધુ સમય વિતાવ્યો હતો.