Mon Oct 05 2026

Logo

દુલીપ ટ્રોફી: ઈસ્ટ ઝોને સાઉથ ઝોન સામે બનાવ્યા 708 રન, ઈશાન કિશનની 270 રનની તોફાની ઈનિંગ

2026-09-07 22:00:00
Author: Mumbai Samachar Team
દુલીપ ટ્રોફી: ઈસ્ટ ઝોને સાઉથ ઝોન સામે બનાવ્યા 708 રન, ઈશાન કિશનની 270 રનની તોફાની ઈનિંગ

ચેન્નઈઃ દુલીપ ટ્રોફી ફાઇનલના બીજા દિવસે ઈસ્ટ ઝોનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન ઇશાન કિશન ભલે ત્રેવડી સદી ચૂકી ગયો હોય પરંતુ તેની શાનદાર ઇનિંગની મદદથી ઈસ્ટ ઝોને સાઉથ ઝોન સામે પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈસ્ટ ઝોનનો પ્રથમ દાવ સમાપ્ત થતાં જ બીજા દિવસની રમત પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

ઈસ્ટ ઝોન તરફથી કેપ્ટન ઇશાન કિશને આક્રમક બેટિંગ કરી હતી. તેણે 334 બોલમાં 270 રન ફટકાર્યા હતા જેમાં 30 ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. કુમાર કુશાગ્રે પણ 132 બોલમાં 101 રન કર્યા હતા. જેમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. બીજા દિવસે ઇશાન રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો પરંતુ બાદમાં તે બેટિંગ કરવા આવ્યો અને શાનદાર બેટિંગ કરી હતી.

ઈસ્ટ ઝોન તરફથી મુકેશ કુમાર આઉટ થનારા છેલ્લો બેટ્સમેન હતો.  ઈસ્ટ ઝોન તરફથી અનુકુલ રોયે 45, મોહમ્મદ કૌનેન કુરેશીએ 40 અને મોહમ્મદ શમીએ 28 રન કર્યા હતા. સાઉથ ઝોન તરફથી ત્રિપુરાણા વિજયે સૌથી વધુ ચાર વિકેટ લીધી, જ્યારે ચામા મિલિંદ અને શ્રેયસ ગોપાલે બે-બે વિકેટ લીધી. શેખ રશીદ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

ઈસ્ટ ઝોને બીજા દિવસની શરૂઆત ચાર વિકેટે 385 રનથી કરી હતી. ઈશાને કુમાર કુશાગ્ર સાથે પાંચમી વિકેટ માટે 230 રનની ભાગીદારી કરી હતી. જોકે, કુમાર કુશાગ્ર સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. ટીમે 471 રન પર પાંચમી વિકેટ ગુમાવી હતી.  ત્યારબાદ ઈશાને અનુકુલ રોય સાથે 140 રનની ભાગીદારી કરી હતી.