ન્યૂ ચંડીગઢઃ પીઢ ક્રિકેટર વિરાટ કોહલી મેદાન પર જેટલો આક્રમક હોય છે એટલો જ ક્યારેક મસ્તીમજાક સાથે હળવો પણ થઈ જતો હોય છે અને એની ઝલક શનિવારે અહીં મુલ્લાંપુરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની છેલ્લી વન-ડે વખતે જોવા મળી જેમાં તેણે યશસ્વી જયસ્વાલને થોડી ક્ષણો માટે ડાન્સ શીખવ્યો હતો.
કોહલી શનિવારની અંતિમ મૅચમાં શૂન્યમાં આઉટ થઈ ગયો હતો અને એના બે દિવસ પૂર્વે બીજી મૅચમાં ફક્ત 29 રન બનાવી શક્યો હતો. જોકે તિરુવનંતપુરમની પ્રથમ મૅચમાં તેના અણનમ 139 રનનું ભારતની જીતમાં મોટું યોગદાન હતું. બૅટિંગમાં નિષ્ફળ જવા છતાં ટીમમાં માત્ર તેની હાજરી જ પૂરતી હોય છે અને એટલે જ ભારત આ સિરીઝ 2-1થી જીતી શક્યું હતું.
Virat Kohli teaching dance steps to Yashasvi Jaiswal 🤣🔥 - Bro has taken full responsibility for entertaining the fans & the entire team! 😂 https://t.co/I9z6k1HUcD
— Mukku (@Cric_Mukku) October 4, 2026
શનિવારની ત્રીજી વન-ડેમાં મેદાન પર ભારતીય ખેલાડીઓ સાથે ઊભા હતા ત્યારે કોહલીએ મસ્તીમજાકના મૂડમાં યશસ્વીને ડાન્સના અમુક સ્ટેપ શીખવ્યા હતા. કોહલીને આ રૂપમાં જોઈને નજીકમાં ઊભેલો કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા હસવું નહોતા રોકી શક્યા. બધાને હસતા જોઈને કોહલી વધુ જોશમાં આવ્યો હતો અને પોતાની સ્ટાઇલમાં યશસ્વીને ડાન્સની ટૂંકી તાલીમ આપવા લાગ્યો હતો અને યશસ્વીએ તરત જ તેની સ્ટાઇલ શીખી લીધી હતી.
ખુદ કોહલી (Kohli) અને યશસ્વી પણ હસી પડ્યા હતા. આ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી અને પછી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. મેદાન પર ડાન્સ (Dance) કરવો કોહલી માટે કોઈ નવી વાત નથી. આ પહેલાં પણ તે ડાન્સના મૂવ્ઝથી સાથી ખેલાડીઓનું અને પ્રેક્ષકોનું મનોરંજન કરી ચૂક્યો છે.