Tue Sep 15 2026

Logo

ટેસ્ટમાં મર્યાદિત તકો મળે છે, તેને હળવાશથી ન લઈ શકાય: દેવદત્ત પડિક્કલ

2026-09-07 17:41:35
Author: Mumbai Samachar Team
ટેસ્ટમાં મર્યાદિત તકો મળે છે, તેને હળવાશથી ન લઈ શકાય: દેવદત્ત પડિક્કલ

ચેન્નઈ: ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું સરળ નથી અને તક પણ મર્યાદિત મળે છે એટલા માટે કર્ણાટકના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ શ્રીલંકાના તાજેતરના પ્રવાસમાં સતત બે સદી ફટકારવા છતાં કોઈ પણ બાબતને હળવાશથી લઈ રહ્યો નથી. 
નંબર ત્રણ પર નિયમિત બેટ્સમેન સાઈ સુદર્શનને પગમાં ઈજા થવાના કારણે પડિક્કલને શ્રીલંકા સામે બે ટેસ્ટ રમવાની તક મળી અને તેણે તેનો મહત્તમ ફાયદો ઉઠાવીને ત્રણ ઇનિંગ્સમાં 328 રન ફટકાર્યા હતા.

પડિક્કલે કહ્યું હતું કે "આજકાલ તમને મર્યાદિત તકો મળે છે અને ટીમમાં સ્થાન મેળવવું સરળ નથી. તેને કોઈ પણ બાબતને હળવાશથી લેવી જોઈએ નહીં. વ્યક્તિગત રીતે હું ફક્ત રન બનાવતો રહેવા માંગુ છું અને ભારતીય ટેસ્ટ ટીમની જીતમાં ફાળો આપતો રહેવા માંગુ છું. જ્યાં સુધી હું તે કરતો રહીશ મને વિશ્વાસ છે કે હું ટીમમાં મારું સ્થાન જાળવી રાખીશ. જ્યાં સુધી હું રન બનાવતો રહીશ ત્યાં સુધી હું માનું છું કે તે હંમેશાં ટીમને ફાયદો કરશે. જેમ આપણે બધા જાણીએ છીએ ટેસ્ટ ક્રિકેટ સરળ ફોર્મેટ નથી તેથી તમારે દિવસ-રાત પ્રદર્શન કરતા રહેવું પડશે.”

જો સુદર્શનને ઈજા ન થઈ હોત તો પડિક્કલ ટીમમાં તક મળી ના હોત. તેણે છેલ્લે નવેમ્બર 2024માં પર્થમાં ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી. જોકે, પડિક્કલે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે તેમને શ્રેણી શરૂ થાય તે પહેલાં જાણ કરી હતી કે તે બંને ટેસ્ટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરશે.

બેંગલુરુના આ બેટ્સમેને 2024ની શરૂઆતમાં રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમણે કહ્યું કે દ્રવિડ પાસેથી બેટિંગ સલાહ લેવાની તક મળવી એ એક સૌભાગ્યની વાત છે. મેં છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની (દ્રવિડ) સાથે બેટિંગ અને લાંબા સમય સુધી ક્રીઝ પર રહેવા માટે શું કરવું તે વિશે ઘણી વાત કરી છે. 

પછી વાત તૈયારી અને તમે શું કરવા માંગો છો તે સમજવાની છે. જ્યારે તમારા મનમાં તમારી યોજનાઓ વિશે સ્પષ્ટતા હોય અને તમે મેદાન પર જાઓ ત્યારે તમારે શું કરવાની જરૂર છે તે જાણો છો, ત્યારે તે ઘણી મદદ કરે છે. તમે ક્યાં બેટિંગ કરી રહ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી. આ મુખ્ય બાબતો છે જેની મેં તેમની સાથે ચર્ચા કરી છે."