Mon Oct 05 2026

Logo

હરમનપ્રીત કૌરના અનોખા અંદાજનો વિડીયો વાઇરલ, કહ્યું ટ્રોફી તમે રાખો અમે જશ્ન મનાવીશું

Dubai   2026-09-14 17:04:00
Author: Chandrakant Kanoja
હરમનપ્રીત કૌરના અનોખા અંદાજનો વિડીયો વાઇરલ, કહ્યું ટ્રોફી તમે રાખો અમે જશ્ન મનાવીશું

@BCCIWomen


દુબઇ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે  રવિવારે શ્રીલંકાને ફાઇનલમાં 72 રનથી હરાવીને ટી-20 મહિલા એશિયા કપનું ટાઇટલ જીતી લીધું હતું. જેની બાદ ભારતીય ટીમનો એક રમૂજી વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. 

ભારતીય મહિલા ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો 

જોકે, મહત્વની બાબત એ છે કે ફાઇનલ મેચ જીતવા છતાં ભારતીય મહિલા ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. વર્ષ 2025 ની શરૂઆતમાં પુરુષ ટીમ પણ પાકિસ્તાન સામે ફાઇનલ જીતવા છતાં ટ્રોફી નહોતી મળી. ભારતીય ટીમના આ નિર્ણય પાછળનું કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા અને ACC પ્રમુખ મોહસીન નકવી હતા.

હરમનપ્રીત કૌરની જીતની ઉજવણીનો વિડીયો વાઇરલ 

આ જ ક્રમમાં મોહસીન નકવી દ્વારા ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ  ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની જીતની ઉજવણીએ બધાના દિલ જીતી લીધા. હરમનપ્રીત કૌરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ખેલાડીઓએ હરમનપ્રીતને પાણીની બોટલ આપી

જેમાં મોહસીન નકવીની હાજરીને કારણે ભારતીય ટીમે પ્રેઝન્ટેશન સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, જ્યારે આખી ટીમ જીતના ફોટા માટે મેદાન પર ભેગી થઈ ત્યારે સાથી ખેલાડીઓએ હરમનપ્રીતને પાણીની બોટલ આપી.

ચેમ્પિયન ટ્રોફીની જેમ હવામાં પાણીની બોટલ લહેરાવી 

તેમજ ટીમના બાકી ખેલાડીઓએ પણ  કેપ્ટનને ઉત્સાહિત કર્યા અને હરમનપ્રીત કૌરે બોટલને ટ્રોફીની જેમ હવામાં ઉંચી કરવા વિનંતી કરી. હરમનપ્રીતે ખચકાટ વિના હસતાં હસતાં ચેમ્પિયન ટ્રોફીની  જેમ હવામાં પાણીની બોટલ લહેરાવી હતી. 

ભારતીય ટીમને યોગ્યતા સાબિત કરવા માટે ટ્રોફીની જરૂર નથી

હરમનપ્રીતના આ અંદાજને જોઇ આખી ભારતીય ટીમમાં હાસ્ય રેલાયું હતું. તેમજ નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકાર્યા બાદ  ટીમ ઈન્ડિયાના હળવાશભર્યા અને બેફિકર અંદાજથી ફેન્સ ખુશ થયા છે. તેમજ ફેન્સ આ વીડિયોને સોશિયલ મીડિયા પર  શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે ભારતીય ટીમને તેની યોગ્યતા સાબિત કરવા માટે ટ્રોફીની જરૂર નથી.