Mon Oct 05 2026

Logo

મેન્સ જુનિયર હૉકીના એશિયા કપમાં ભારત સતત ચોથી વખત ચૅમ્પિયન

Mocky   2026-09-13 19:35:34
Author: Ajay Motiwala
મેન્સ જુનિયર હૉકીના એશિયા કપમાં ભારત સતત ચોથી વખત ચૅમ્પિયન

મૉકી (ચીન): અનમોલ એક્કાના સુકાનમાં ભારતે સાઉથ કોરિયાને ફાઇનલમાં 4-1થી હરાવીને સતત ચોથી વખત ગોલ્ડ મેડલના રૂપમાં જુનિયર મેન્સ હૉકીનો એશિયા કપ (Asia Cup) જીતી લીધો છે. રવિવારે રમાયેલી આ ફાઇનલ એકતરફી મુકાબલા જેવી બની ગઈ હતી. અગાઉ જે ત્રણ વખત (2015, 2023 અને 2024માં) આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી એ તમામમાં ભારતે વિજેતાપદ મેળવ્યું હતું.

પુરુષોના વર્ગમાં જુનિયર હૉકી એશિયા કપ ટૂર્નામેન્ટ સતત ચાર વખત જીતનાર ભારત (India) પ્રથમ દેશ છે. એકંદરે ભારતે છ વખત આ સ્પર્ધા જીતી છે. ભારતે આ વિજેતાપદ સાથે જુનિયર હૉકીના વર્લ્ડ કપમાં સ્થાન મેળવી લીધું છે.

હૉકી મૅચમાં 15-15 મિનિટના ચાર ક્વૉર્ટર હોય છે અને બીજા ક્વૉર્ટરના અંત સુધીમાં ભારતે સાઉથ કોરિયા સામે 3-0થી સરસાઈ મેળવી લીધી હતી. ઉત્તર પ્રદેશના અજીત યાદવે ભારત વતી મૅચમાં પ્રથમ ગોલ કર્યો હતો. અન્ય ત્રણ ગોલ કરનાર ભારતીય ખેલાડીઓમાં કૅપ્ટન અનમોલ એક્કા, પ્રભદીપ સિંહ અને આશુ મૌર્યનો સમાવેશ હતો.

મહિલાઓમાં પણ ભારતે વિજેતાપદ મેળવ્યું અને તેમની જેમ પુરુષ ટીમના પ્રત્યેક ખેલાડી માટે હૉકી ઇન્ડિયાએ ત્રણ લાખ રૂપિયાનું અને સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બર માટે દોઢ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.