Thu Oct 01 2026

Logo

ભારતીય મહિલા ક્રિકેટરો આઠમી વખત એશિયન ચૅમ્પિયન

2026-09-13 23:41:00
Author: Ajay Motiwala
ભારતીય મહિલા ક્રિકેટરો આઠમી વખત એશિયન ચૅમ્પિયન

દુબઈઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે અહીં રવિવારે શ્રીલંકાને ફાઇનલમાં 72 રનથી હરાવીને ટી-20 એશિયા કપનું ટાઇટલ જીતી લીધું હતું. ભારતે વન-ડે અને ટી-20, બન્ને ફૉર્મેટ મળીને કુલ આઠ એશિયન ટાઇટલ જીત્યા છે.

ભારતે 184 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ શ્રીલંકાની ટીમે છેલ્લા બૉલ પર 111 રને 10મી વિકેટ ગુમાવી હતી. સ્પિન-આક્રમણની હરીફાઈમાં ભારતે શ્રીલંકાને જબરદસ્ત માત આપી છે. ભારતીય સ્પિનર શ્રી ચરની (4-1-20-4) સૌથી સફળ સ્પિનર સાબિત થઈ હતી. બીજી સ્પિનર દીપ્તિ શર્માએ 19 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. જોકે ભારતીય ફીલ્ડરોએ પાંચ જેટલા કૅચ પડતા મૂક્યા હતા. ક્રાંતિ ગૌડ, શેફાલી વર્મા, પ્રેમા રાવતે એક-એક વિકેટ મેળવી હતી.

શેફાલી-સ્મૃતિની 129ની ભાગીદારી

ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન બનાવ્યા હતા. શેફાલી વર્મા (68 રન, 39 બૉલ, બે છગ્ગા, નવ ચોગ્ગા) અને સ્મૃતિ મંધાના (59 રન, 39 બૉલ, ત્રણ છગ્ગા, પાંચ ચોગ્ગા) વચ્ચે 129 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. સ્મૃતિ આ ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત રનઆઉટ થઈ હતી. કૅપ્ટન હરમનપ્રીત (14 રન) અને રિચા ઘોષ (17 રન) વચ્ચે 28 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ સમયાંતરે વિકેટ પડતી ગઈ. છેવટે જી. કમલિનીએ પાંચ બૉલમાં એક સિક્સર અને એક ફોરની મદદથી અણનમ 15 રન બનાવીને ભારતને 183 રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું.

બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયા અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા દુબઈ ગયા હોવાનો અહેવાલ ફાઇનલના પરિણામ પહેલાં જ વાઇરલ થઈ ગયો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પાકિસ્તાની ચૅરમૅન મોહસિન નકવીની સ્ટેડિયમમાં હાજરીથી વિવાદ ઊભો બની શકે એવી ભીતિ ઘણાના મનમાં હતી.