નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા બેટર વૈભવ સૂર્યવંશીને અફઘાનિસ્તાન વિરુદ્ધ ટવેન્ટી-20 મેચમાં રમવાની તક નહીં આપવા બદલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે. એક પછી એક ક્રિકેટર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે ત્યારે દિગ્ગજ ક્રિકેટરે વહીવટી પ્રશાસન પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે વૈભવને વાસ્તવમાં અન્યાય થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમે ત્રણ મેચની ટવેન્ટી-20 સિરીઝમાં પહેલી મેચમાં સાત વિકેટથી જીત હાસલ કરી હતી. દમદાર જીત પછી ભારતીય ટીમ પણ બીજી જીતની તૈયારી કરી રહી છે, ત્યારે ટીમના ધુરંધર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પડતો મૂકવામાં આવ્યો છે, જેને લઈ ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે પૂર્વ સિલેક્ટર અને દિગ્ગજ ખેલાડી કૃષ્ણમાચારી શ્રીકાંતે ટીમ મેનેજમેન્ટના નિર્ણયની આકરી ટીકા કરી છે.
શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર પણ સવાલો ઊઠાવ્યા હતા. શ્રીકાંતે કહ્યું કે અગાઉની મેચમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહી ચૂકેલા ખેલાડીને અચાનક બહાર કરવાનું કારણ સમજણ બહાર છે. મેનેજમેન્ટની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ગઈકાલે જ્યારે વૈભવ સૂર્યવંશી ના રમ્યો તો અમે ખૂદ મેચ છોડીને ફિલ્મ જોવાનું શરુ કર્યું હતું.
મારી પત્ની પણ ગુસ્સે થઈને સવાલ ઊઠાવ્યા હતા. તેણે પણ કહ્યું હતું કે અગાઉની મેચના સ્ટાર ખેલાડીને શા માટે રમાડવામાં આવ્યો નથી. જ્યારે મારી પત્ની એક સામાન્ય જનતાના માફક સવાલ પૂછે છે તો વિચારો એ ખેલાડીના મનમાં શું વીતતું હશે.
શ્રીકાંતે સવાલ કર્યો હતો કે આ પ્રકારની નીતિથી વૈભવની હિંમત ખતમ થઈ શકે છે. શ્રીકાંતનું માનવું છે કે યુવા ખેલાડીના આત્મવિશ્વાસ પણ ડગી શકે છે. તેમણે કહ્યું હતું કે તમે લોકો વૈભવ સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. આગામી મેચમાં જ્યારે તક આપવામાં આવશે ત્યારે તેના મનમાં ચોક્કસ ડર રહેશે કે જો ઓછા રન બનાવશે તો તેને ડ્રોપ કરવામાં આવશે.
શ્રીકાંતે સ્પષ્ટ કર્યું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટ, ઈન્ડિયા-એ, આઈપીએલ, ટવેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની પ્રતિભા સાબિત કરી ચૂકેલા યુવા બેટરને નિરંતર તક મળવી જોઈએ. એના સિવાય શ્રીકાંતે સંજુ સેમસન સાથે થઈ રહેલા વર્તાવ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સેમસનને પણ ટીમમાં સામેલ કરવામાં આવતો નથી, જેમાં ક્યારેક બહાર કરી દેવાય છે. આ વાત એક બેસ્ટ ખેલાડી માટે સારી વાત નથી.
વાસ્તવમાં જોવામાં આવે તો વૈભવ સૂર્યવંશી અફઘાનિસ્તાન સિરીઝના બે દિવસ પહેલા રેડ બોલ ક્રિકેટ એટલે દલીપ ટ્રોફીની ફાઈનલ મેચ રમ્યો હતો. એને કારણે વ્હાઈટ બોલ (ટવેન્ટી20)માં પ્રેક્ટિસ કરવાની પણ તક મળી નહોતી. મેચ પહેલા એની જગ્યાએ સંજુ સેમસનને અભિષેક શર્માની સાથે ઓપનિંગ કરી હતી. સંજુ ભલે 10 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ 157 રનના લક્ષ્યાંકથી એવરેજ 13.4 ઓવરમાં હાંસલ કર્યો હતો.