(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત દેશભરની ખાંડ મિલો પર વેચવાલીના દબાણ હેઠળ ટેન્ડરોના ભાવમાં ઘટાડો આગળ ધપી રહ્યો હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 78થી 98નો અને મિડિયમ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 102થી 110નો ભાવઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે પણ સ્મોલ તથા મિડિયમ ગે્રડની ખાંડના ભાવ વધુ ક્વિન્ટલે રૂ. 50થી 100 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. જોકે, મિલો પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 78થી 98ના ઘટાડા સાથે રૂ. 4652થી 4802ના મથાળે અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 102થી 110ના ઘટાડા સાથે રૂ. 4750થી 5042ના મથાળે ગુણવત્તાનુસાર ધોરણે રહ્યા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે આગામી ગણેશોત્સવનાં તહેવાર પૂર્વે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ પ્રબળ રહી હતી, પરંતુ મથકો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 50થી 100ના ઘટાડા સાથે રૂ. 4450થી 4500માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 100ના ઘટાડા સાથે રૂ. 4500થી 4600માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.