નવી મુંબઈઃ સ્થાનિક બજારોમાં આગામી તહેવારોની મોસમમાં ખાંડનો પુરવઠો અને ભાવ વાજબી સપાટીએ જળવાઈ રહે તે માટે આગામી ઑક્ટોબર મહિનાથી શરૂ થઈ રહેલી વર્ષ 2026-27ની ખાંડ મોસમમાં સરકારે આગામી 15 ઑક્ટોબરથી પિલાણ શરૂ કરવાના સરકારના નિર્ણયને બૅમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશને આવકાર્યો હતો. જોકે, દેશમાં છેલ્લી ત્રણ મોસમનાં ખાંડના વાસ્તવિક ઉત્પાદન અને અંદાજમાં નોંધપાત્ર તફાવત રહેતો હોવાથી તેની સમીક્ષા કરીને ઉત્પાદન અને સ્ટોક અંગેની નીતિનો નિર્ણય કરવાનો એસોસિયેશને ખાદ્ય સચિવને અનુરોધ કર્યો છે.
એસોસિયેશનના પ્રમુખ અશોક જૈને ખાદ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે દેશની ખાંડની વપરાશી માગ વર્ષે 295 લાખ ટનની છે અને નવી ખાંડ મોસમના આરંભે 55થી 60 લાખ ટનનો સ્ટોક જાળવવાની આવશ્યકતા હોય છે. ઉત્પાદનના અંદાજની અનિશ્ચિતતા વચ્ચે સરકારે જાન્યુઆરી સુધી શેરડીનો ઉપયોગ માત્ર ખાંડના ઉત્પાદન માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ અને ત્યાર બાદ જ શેરડીનાં રસ/ખાંડનો ઈથેનોલ તરફ વિકેન્દ્રિત કરવાની વિચારણા કરવી જોઈએ.
આમ કરવામાં આવતા જાન્યુઆરી સુધીમાં ખાંડના ઉત્પાદન, શેરડીની ઉપલબ્ધિ, રિકવરી દર અને ખાંડના વાસ્તવિક ઉત્પાદનના ડેટા ઉપલબ્ધ થઈ જતાં સરકારને ઈથેનોલ માટે કેટલી ફાળવણી કરવી તે અંગેની સ્પષ્ટતા આવી જશે. તેમ જ સ્થાનિક સ્તરે વપરાશી માગ માટેના આવશ્યક પુરવઠાની બાંયધારી મળી શકશે અને નવી મોસમના આરંભે પર્યાપ્ત માત્રામાં સ્ટોકની ઉપલબ્ધિ પણ રહેશે. આથી અમારું માનવુ છે કે સરકારે આગામી વાસ્તવિક ઉત્પાદનને ધ્યાનમાં લઈને ખાસ કરીને ઈથેનોલની ફાળવણી માટે નીતિ ઘડવી જોઈએ, એમ તેમણે યાદીમાં ઉમેર્યું હતું.