Thu Oct 01 2026

Logo

ક્રિકેટરોએ કર્યું ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત

2026-09-14 19:57:00
Author: Ajay Motiwala
ક્રિકેટરોએ કર્યું ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત

મુંબઈ: કરોડો લોકોના લાડલા ગણપતિ બાપ્પા અનેરા વાર્ષિક અવસર ‘ગણેશોત્સ્વ'ના દિવસોમાં ધરતી પર પધારવાના હોય ત્યારે તેમનું ઉદ્યોગપતિઓ, બૉલિવૂડના એક્ટર્સ અને અન્ય અનેક ક્ષેત્રની સેલિબ્રિટીઝ જો સ્વાગત કરે તો એમાં ક્રિકેટરો પણ કેમ બાકી રહી જાય! દર વર્ષની જેમ આ વખતે પણ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના નિવાસસ્થાને ગણપતિ બાપ્પા પધાર્યા છે અને તેણે પરિવારજનો તેમ જ મિત્રો સાથે મળીને ગણપતિ બાપ્પાનું સોમવારે સવારે શાનદાર સ્વાગત કર્યું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India Forums (@indiaforums)

સચિન તેંડુલકરે બાંદરા (પૂર્વ) ખાતેના નિવાસસ્થાનમાં ગણપતિ બાપ્પાના આગમન પહેલાં જ ભવ્ય ડેકૉરેશન કરાવી રાખ્યું હતું અને બાપ્પા સવારે પધાર્યા ત્યારે તેમને તેમના સુંદર સ્થાન પર બિરાજમાન કરાવ્યા હતા અને પછી સૌએ સાથે મળીને ભાવવિભોર માહોલમાં આરતી કરી હતી જેનો વિડીયો વાઈરલ થયો છે.

ભારતીય ક્રિકેટમાં પણ ગણપતિ બાપ્પા (Bappa) ફરી છવાઈ ગયા છે. 2022ની આઈપીએલ ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના ફ્રેન્ચાઇઝીએ સોશ્યલ મીડિયામાં પોતાના ક્રિકેટરોના ઇમેજિસ સાથે ગણપતિ બાપ્પાનું શાનદાર સ્વાગત કર્યું છે. ‘ઢોલ વાગ્યા...બાપ્પા પધાર્યા' એવા સ્લોગન સાથે ગુજરાત ટાઇટન્સની પોસ્ટમાં લખ્યું છે કે ‘બાપ્પા (દિલોદિમાગમાં) પધારે છે ત્યારે કઠિનમાં કઠિન ઇનિંગ્સ પણ આસાન થઈ જાય છે.'

સોશ્યલ મીડિયામાં ગુજરાત ટાઇટન્સના વૉલપેપર પર કેપ્ટન શુભમન ગિલ તેમ જ અફઘાનિસ્તાનના રાશીદ ખાન સહિતના ક્રિકેટરોને પરંપરાગત પોશાકમાં બતાવવામાં આવ્યા છે.

માત્ર ભારતીય ક્રિકેટરો જ નહીં, પણ વર્ષોથી આઈપીએલ સાથે સંકળાયેલા કેટલાક વિદેશી ખેલાડીઓમાં પણ ગણપતિ બાપ્પાનું ઘેલું છે અને એમાં ડેવિડ વૉર્નર અવ્વલ છે.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ વૉર્નરે ફરી એક વખત ગણપતિ બાપ્પા પ્રત્યે અનહદ ભક્તિભાવ બતાવીને અસંખ્ય ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે. આ પ્રસંગે ડેવિડ વૉર્નરે ભારતીય ચાહકોને સોશ્યલ મીડિયા પરની પોસ્ટ મારફત આનંદ, શાંતિ, ભાઈચારા અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે.

19મી સપ્ટેમ્બરે જાપાનમાં એશિયન ગેમ્સ શરૂ થશે અને એ નિમિત્તે એક જાણીતી સ્પોર્ટ્સ વેબસાઈટે ભારતના આશાસ્પદ ઍથ્લીટો અને ખેલાડીઓના ફોટા સાથેની પોસ્ટ ગણેશોત્સવ નિમિત્તે ‘એક્સ' પર શૅર કરી છે.