નવી દિલ્હી: ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં મારુતિ સુઝુકીએ જાપાનમાં 1 લાખ યુનિટ કારની નિકાસ કરી છે. જેમાં ભારતમાં બનેલી ફ્રોન્ક્સ, જિમ્ની 5-ડોર અને પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારાની જાપાની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે. તેમજ જાપાન હવે મારુતિ સુઝુકી માટે બીજું સૌથી મોટું નિકાસ બજાર બની ગયું છે.
સુઝુકી જાપાનની નંબર-1 વાહન આયાતકાર કંપની બની
આ ઉપરાંત એક લાખ કારની ભારતમાંથી નિકાસ બાદ સુઝુકી નાણાકીય વર્ષ 2025-26 માં જાપાનની નંબર-1 વાહન આયાતકાર કંપની બની ગઈ છે. તેમજ જાપાન જેવા દેશના હાઇ ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોવા છતાં ભારતની મારુતિ સુઝુકી માપદંડ પર ખરી ઉતરી છે. જે દેશ માટે ગર્વની બાબત પણ છે.
ભારતીય પ્લાન્ટ વૈશ્વિક ક્વોલિટી સ્ટાન્ડર્ડને અનુરૂપ
આ નિકાસની શરૂઆત ઓગસ્ટ 2024 માં ફ્રોન્ક્સના શિપમેન્ટ સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ ડિસેમ્બર 2024 માં જિમ્ની 5-ડોર અને સપ્ટેમ્બર 2025 માં કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV,e-Vitara રજૂ કરવામાં આવી હતી. જિમ્ની 5-ડોર અને e-Vitara સમગ્ર વિશ્વ માટે ફક્ત ભારતમાં જ બનાવવામાં આવે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય પ્લાન્ટ હવે સ્થાનિક બજાર સુધી મર્યાદિત નથી રહ્યા પરંતુ વૈશ્વિક ક્વોલિટી સ્ટાન્ડર્ડ સુધી પહોંચ્યા છે.
જાપાન મારુતિનું બીજું સૌથી મોટું નિકાસ બજાર
તેમજ જાપાનમાં ભારતીય કારોની વધતી માંગથી મારુતિ સુઝુકીના નિકાસ વ્યવસાયને નવી ઓળખ મળી છે. નાણાકીય વર્ષ 2025-26 માટે તેમજ એપ્રિલથી ઓગસ્ટ 2026-27 સુધી જાપાન મારુતિનું બીજું સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જાપાન ખૂબ જ અદ્યતન માનવામાં આવે છે. તેમજ સુઝુકી દ્વારા જાપાનમાં આયાત કરાયેલી લગભગ 100 ટકા કાર ભારતમાં મારુતિ સુઝુકી દ્વારા નિર્મિત કરવામાં આવી છે.