Thu Oct 01 2026

Logo

અમદાવાદમાં હાઈ કોર્ટ-સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ

2026-09-05 14:47:00
Author: Mayur Patel
અમદાવાદમાં હાઈ કોર્ટ-સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ

અમદાવાદઃ શહેરમાં આવેલી અદાલતોને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સવારના સમયે જ્યારે કોર્ટમાં રૂટિન કામગીરી થઈ રહી હતી ત્યારે અચાનક એક ઈમેલ મળ્યો હતો. જેમાં કોર્ટ પરિસરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

સોલા હાઈ કોર્ટ, ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ,લાલ દરવાજા સેશન્સ કોર્ટ, ભદ્ર કોર્ટ તથા નવરંગપુરા જૂની હાઈ કોર્ટ કેમ્પસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો ઈમેઈલ ધ્યાને આવતાં જ કંટ્રોલ રૂમ દ્વારા શહેરભરની સુરક્ષા એજન્સીઓને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી હતી.

સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો મિનિટોમાં નિર્ધારિત સ્થળોએ પહોંચી ગયો હતો. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ  અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમોએ તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ, પાર્કિંગ એરિયા, રેકોર્ડ રૂમ અને જજ સાહેબોની ચેમ્બર્સનું બારીકાઈથી ચેકિંગ શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ગાડીઓ અને ઇમરજન્સી મેડિકલ સ્ટાફને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે કોર્ટ બહાર તૈનાત કરવામાં આવ્યા હતા.

સુરક્ષાના ભાગરૂપે તમામ કોર્ટ પરિસરોમાંથી તાબડતોબ ન્યાયાધીશો, વકીલો, ક્લાર્ક અને હાજર અરજદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી પરિસર સંપૂર્ણ ખાલી કરાવવામાં આવ્યું હતું. અદાલતી કાર્યવાહી અટકાવી દેવાતાં થોડા સમય માટે પરિસર બહાર ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર વિસ્તારને પોલીસે બેરિકેડિંગ કરી કોર્ડન કરી લીધો હચો અને સામાન્ય નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

ઈમેઈલ ક્યાંથી, કયા IP એડ્રેસ પરથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર ક્રાઈમ યુનિટે સમાંતર તપાસ તેજ કરી હતી. સુરક્ષા એજન્સીઓ હાલ કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર દરેક ખૂણે ખૂણો ચકાસી રહી છે.