Wed Jul 15 2026

Logo

ભારતના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટનો 'ડેટા લીક': ન્યુક્લિયર પ્લાન્ટની ૧૯,૦૦૦ સિક્રેટ ફાઈલ ચોરાઈ?

2026-07-15 17:42:03
Author: Mumbai Samachar Team
Article Image

ટાટા અને નાઇકી બાદ હવે રિલાયન્સ નિશાન પર: હેકર્સે પરમાણુ પ્લાન્ટની વિગતો લીક કરી હોવાનો કર્યો મોટો દાવો

નવી દિલ્હીઃ દેશમાં પરમાણુ સાઈટ સામે એક જોખમ ઊભું થયું હોવાના સમાચારથી ખળભળાટ વ્યાપી ગયો છે, જે વાત એક વાયરલ પોસ્ટ દ્વારા જાણવા મળી છે. વર્લ્ડ લીક્સ નામના એક હેકર ગ્રુપે દેશના કેટલાક મહત્ત્વના પાવર પ્લાન્ટની જાણકારી પોસ્ટ કરી દીધી છે, જેમાં પ્લાન્ટના કેટલાક ભાગ અને બ્લુપ્રિન્ટ સહિત 19000 પાનાનો જરૂરી આખો દસ્તાવેજ જાહેર કરી દીધો છે. આ સાયબર એક્ટ સામે કડક એક્શન લેવામાં આવી રહ્યા છે.

તમિલનાડુ રાજ્યમાં સ્થિત દેશના સૌથી મોટા કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સંબંધિત સંવેદનશીલ ડેટા લીક થયો છે. આ વાત સામે આવતા જ સાયબર જગતમાં દોડધામ મચી ગઈ છે. 'વર્લ્ડ લીક્સ' તરીકે ઓળખાતા હેકર જૂથે પ્લાન્ટ વિશેની માહિતી પ્રકાશિત કરી છે, 

પોલિસીની ફાઈલ પણ સામેલ છે
માત્ર પ્લાન્ટની વિગત જ નહીં નિરીક્ષણ રેકોર્ડ્સ, સાધનોની સમીક્ષાઓ અને વીમા પોલિસીઓની વિગતોનો સમાવેશ આ દસ્તાવેજમાં થાય છે. વર્લ્ડ લીક્સ હેકર જૂથનો દાવો છે કે, આ દસ્તાવેજો અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના છે, જે પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છે. આ વાત સામે આવતા જ લીગલ એક્શન માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ હેકર્સ ગ્રુપનું મુખ્ય કામ ડેટાચોરી કરીને પૈસા વસૂલ કરવાનો હોય છે. આ કેસમાં પણ એવું જ થયું છે. 

જો પૈસા આપવામાં નહીં આવે તો ડેટા ડાર્કવેબ પર જાહેર કરી દેવામાં આવશે. જેનાથી એક મોટું જોખમ ઊભું થઈ શકે છે. આ પહેલા આ ગ્રુપ  Nike અને ભારતના ટાટા ગ્રુપને પણ ટાર્ગેટ કરી ચૂક્યું છે. હવે પાવર પ્લાન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ગ્રુપે જૂન મહિનામાં ટાટા ગ્રુપના ડેટા લીક કરવાનું કામ કર્યું હતું, જેમાં એપ્પલ, ટેસ્લા જેવા મોટી કંપનીઓ જેને બ્રાંડ માનવામાં આવે છે એના કેટલાક ડેટા હતા. 

આ સિવાય અમુક ડિઝાઈન પણ સામેલ હતી. એ સમયે પણ હેકર્સ ગ્રુપે 15 લાખ ડૉલરની માગ કરી હતી. કંપનીએ પૈસા આપવાનો ઈન્કાર કરી દીધો હતો આ પછી કંપનીનો ડેટા લીક કરી દેવામાં આવ્યો હતો. 

ડેટામાં કંઈક છેડાછાડ થઈ છે
તમિલનાડુમાં આવેલો કુડનકુલમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ભારતના સાત પરમાણુ પ્લાન્ટમાં સૌથી મોટો છે. રિપોર્ટ અનુસાર અનિલ અંબાણી ગ્રુપના રિલાયન્સ ગ્રુપે જણાવ્યું હતું કે, પ્લાન્ટનો ડેટા છે એમાં કંઈક છેડછાડ થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ ડેટા થર્ડપાર્ટી ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઈડરના સર્વર પર હોસ્ટ થયેલો હતો. કંપનીએ આ સમગ્ર ઘટનાની જાણકારી ભારત સરકારને આપી હતી. 

જોકે, કંપનીએ એ વાત જાહેર નથી કરી કે, કેવી રીતે આટલા મોટા ડેટાની ચોરી થઈ. પરમાણુ સુરક્ષા સંબંધી મામલે સરકારને સલાહ આપવા અને દેશની તૈયારીઓની સમીક્ષા કરતી સંસ્થા ન્યુક્લિયર થ્રેટ ઈનિશ્યેટિવના સિનિયર ડાયરેક્ટર નિકોલસ રોથે જણાવ્યું હતું કે, ડેટા લીકથી પ્લાન્ટની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. આ પ્રકારની ઘટનાએ કંપનીની સુરક્ષા સામે સવાલ ઊભા કરી દીધા છે. 

રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, લીક થયેલા દસ્તાવેજની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ પારદર્શક રીતે થઈ રહી છે. વર્ષ 2016થી લઈને વર્ષ 2025ની વચ્ચેના આ દસ્તાવેજ હોવાનું માનવામાં આવે છે, જોકે આ ફાઈલ્સ બધી અસલી છે કે નહીં એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

રિલાયન્સને સોંપાઈ છે જવાબદારી
વર્લ્ડ લિક્સ વેબસાઈટ હાલમાં રિલાયન્સની કુલ 858,000 ફાઈલ્સમાં 19,000 ફાઈલ્સ સંવેદનશીલ છે અને કેટલીક ઘણી સિક્રેટ છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 2018માં કુડનકુલમ પ્લાન્ટના યુનિટ 3 અને ચારની ડિઝાઇન અને બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હાલમાં, બંને યુનિટનું કામ ચાલું છે અને વર્ષ 2027 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. એકવાર કાર્યરત થયા પછી, તેઓ કુલ 2,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. ફાઈલમાં વેન્ડર પ્રસ્તાવ, મંજૂર કરેલ સપ્લાયરની લિસ્ટ અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન અને રિલાયન્સની વચ્ચે જોઈન્ટ ઈન્સપેક્શન અંગે 2024માં મીટિંગના રેકોર્ડ સામેલ છે, જેમાં ઈક્વિપમેન્ટની તસવીરોનો પણ સમાવેશ કર્યો હતો.