Wed Jul 15 2026

Logo

નોઇડાની ઇમારતમાં ભીષણ આગ! 50 પરિવાર ફસાયા, આખરે શું હતું આગનું સાચું કારણ?

2026-07-15 16:46:44
Author: Mumbai Samachar Team
Article Image

નોઈડાઃ ઉત્તર પ્રદેશના નોઈડામાં આવેલી મમૂરા વિસ્તારની એક ઈમારતમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પાંચ માળની ઈમારતમાં આગ લાગતા બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. ફાયર વિભાગની ટીમે આગ ઠારવા માટે પાણીનો સતત મારો ચલાવ્યો હતો. આગ લાગતા જ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. નોઈડાના સેક્ટર 66માં મમૂરા ગામે પાંચ માળની એક ઈમારતમાં આગ લાગતા 50 પરિવારના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. 

આ બન્ને શક્યતા વ્યક્ત કરાઈ

સમગ્ર ઘટનાની જાણ થતા જ યુદ્ધના ધોરણે પોલીસ સ્ટાફ અને ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 100થી વધુ લોકોને રેસ્કયૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેનું મૃત્યુ થયું છે એમાં 26 વર્ષની એક મહિલા અને અન્ય એક પુરૂષનો સમાવેશ થાય છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર આગ લાગવા પાછળ એસીમાં શોક સર્કિટ અથવા ઈલેક્ટ્રિક બાઈકમાં શોક સર્કિટ થયો હોવાનું હોઈ શકે છે. 

ઈમારતમાં આગ લાગ્યા બાદ પોલીસે મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો.સ્થાનિકો પોલીસના આ પગલાંથી પરેશાન થયા હતા. પોલીસે ખાખ થઈ ચૂકેલા દરેક રૂમની તપાસ કરી હતી.આગમાં ખાખ થઈ ગયેલા સામાનને ખસેડીને દૂર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીએ કહ્યું કે, જગ્યા સાંકડી હોવાને કારણે આગ ટૂંક સમયમાં ઝડપથી પ્રસરી ગઈ હતી. હવે ખાખ થઈ ગયેલા સામાને દૂર કરવામાં આવી રહ્યો છે. 

 

આ રીતે આગ પ્રસરી

જે લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગતા જ નજીકમાં રહેલી દુકાનના વેપારીઓએ બૂમ પાડીને ઘરમાંથી બાહર નીકળી જવા કહ્યું હતું.આ કારણે મોટા ભાગના લોકો ત્યાંથી દોડીને બાહર નીકળી ગયા હતા. પહેલા પાર્કિંગના એરિયામાં આગ લાગી, જે પછી ઉપરના ફ્લોર સુધી પ્રસરી હતી. પાર્ક થયેલા વાહનોમાં આગ લાગતા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. 

ગૌતમ બુદ્ધનગરના JCP રાજીવ નરેને જણાવ્યું હતું કે, પાર્કિંગમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવામાં આવતા હતા. અહીંયા સ્પાર્ક થયો હોવાને કારણે આગ ભભૂકી હોઈ શકે છે. સ્પાર્કને કારણે નજીકમાં પાર્ક કરેલા પેટ્રોલના વાહનોમાં આગ લાગતા આગ ગણતરીની સેકન્ડમાં પ્રસરી ગઈ હતી. 

50 જેટલા પરિવારોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ લોકોને કોઈ ખાસ ઈજા થઈ નથી. વધારે પડતા ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 

પોલીસ ફરિયાદ નોંધાઈ

મમૂર વિસ્તારમાંથી પહેલા જ પોલીસને કોઈ સ્થાનિકે ફોન કર્યો હતો. પછી ફાયર વિભાગની ટીમ યુદ્ધના ધોરણે ત્યાં પહોંચી હતી. હાઈડ્રોલિક પ્લેટફોર્મ, રેસ્ક્યૂ વ્હીકલ્સ અને સાત ફાયરના વોટર ફાઈટરની મદદથી આગને ઠારવામાં આવી હતી. આ સમગ્ર એક રહેણાંક વિસ્તાર છે. ઘણી સોસાયટીઓ એકબીજા સાથે જોડાયેલી છે. 
પાર્કિંગ એરિયા ઘણો નાનો હતો અને કોઈ પ્રકારનું બેઝમેન્ટ ન હતું. ધુમાડો અહીંયાથી બાહર ન નીકળી શકતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આસપાસના 12 રૂમ્સમાંથી લોકોને પહેલા ખસેડવામાં આવ્યા એ પછી ઉપરના ફ્લોર માટે કામગીરી કરવામાં આવી હતી. 

ઈમારતના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઈમારતમાં તપાસ કરતા કોઈ ફાયર સેફ્ટિના સાધન ન હતા. હવે ઈમારત યોગ્ય રીતે બની છે અને જમીન યોગ્ય છે કે નહીં એ અંગેની ઊંડી તપાસ કર્યા બાદ કાયદેસરના પગલાં લેવામાં આવશે.