(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વડોદરા શહેરમાં આકાશ રવિન્દ્ર પાટીલ નામના એક 21 વર્ષીય યુવકનો તેના મિત્રના ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટના શંકાસ્પદ છે અને પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મકરપુરામાં રહેતો રવિન્દ્ર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઘટનાના આગલા દિવસે તે મિત્રો રાજ અને અજય સાથે અજયના ફ્લેટ પર ગયો હતો. મિત્રો તેને ફ્લેટ પર છોડી કથિત રીતે જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ દીકરો નિયત સમયે ઘરે ન આવતા પિતા રવિન્દ્ર પાટીલે તેની શોધખોળ શરૂ કરી હતી.
તમામ શક્ય જગ્યાએ પૂછ્યા બાદ મોડી રાત સુધી દીકરાનો પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ પિતાએ તેના મિત્રને ફોન કર્યો હતો અને દીકરાને શોધ્યો હતો. અંતે તે અજયના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પિતાએ પોલીસ બોલાવી હતી. દીકરાનું મોત કઈ રીતે થયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે તેના બે મિત્રોની પૂછપરછ હાથ ધરી છે. આ સાથે આકાશના પોસ્ટમોર્ટ્મ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.