Wed Jul 15 2026

Logo

અમદાવાદ રથયાત્રા પૂર્વે લશ્કરી છાવણીમાં તબદીલ, 30,000 જવાનો ખડેપગે

2026-07-15 19:04:18
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ: અમદાવાદમાં 16 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે સમગ્ર શહેર લશ્કરી છાવણીમાં તબદીલ થયું છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ  સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે રથયાત્રાની  સુરક્ષા વ્યવસ્થા માટે 30,000 જવાનો ખડેપગે રહેશે.

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સઘન સુરક્ષા 

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રા અંગે  વિગતવાર માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે, અષાઢી બીજના દિવસે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે.તેમજ સવારે 7 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 8.30 વાગ્યા સુધીમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. 

3600 સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં મેળવવામાં આવશે

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કોઈપણ અફવા ફેલાવનારાઓ સામે સાયબર ક્રાઈમ અને કંટ્રોલ રૂમ દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.રથયાત્રાના સમગ્ર રૂટ પર ટેકનિકલ વિંગ હેઠળ કાર્યરત 3600 સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં મેળવવામાં આવશે. 

દર અડધા કિલોમીટરના અંતરે 100 જેટલા ડ્રોન કેમેરા પેટ્રોલિંગ કરશે

આ ઉપરાંત હવાઈ  દેખરેખ રાખવા દર અડધા કિલોમીટરના અંતરે 100 જેટલા ડ્રોન કેમેરા પેટ્રોલિંગ કરશે અને સુરક્ષાના ભાગરૂપે એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ કાર્યરત રહેશે.આ ઉપરાંત રથયાત્રાના રૂટમાં આવતા તમામ ઊંચા ધાબા અને સંવેદનશીલ મકાનો પરથી પણ સુરક્ષા જવાનો નજર રાખશે.

તંબુ ચોકી ખાતે મીની કંટ્રોલ રૂમ કાર્યરત

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે કટોકટીના સમય માટે 1000 જેટલા જવાનોને કમાન્ડો અને કંટ્રોલ રિઝર્વ તરીકે સ્ટેન્ડબાય રખાયા છે.રથયાત્રા જે 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં લોકલ કંટ્રોલ રૂમ અને તંબુ ચોકી ખાતે મીની કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. 

 રથ અને મહત્વની ગાડીઓ પર સુરક્ષા માટે GPS ટ્રેકર

આ વર્ષે રથયાત્રામાં જોડાનારા 18 ગજરાજો પર ખાસ જાયરોસ્કોપ ફિટ કરવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા માટે આગળ એક વિશેષ સ્ક્વોડ ચાલશે.તેમજ  ગજરાજની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને વેટરનરી ડૉક્ટર્સની પેનલ હાજર રહેશે.આ ઉપરાંત યાત્રામાં જોડાનારા તમામ રથ અને મહત્વની ગાડીઓ પર સુરક્ષા માટે GPS ટ્રેકર લગાવવામાં આવ્યા છે.