આપણે રોજ સવારે જાગીએ છીએ, આખો દિવસ કામ કરીએ છીએ અને રાત થતાં જ આપણને ઊંઘ આવવા લાગે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે જે આપણે નાનપણથી જોતા આવ્યા છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને રાત્રે જ કેમ ઊંઘ આવે છે? દિવસના પ્રકાશમાં ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ રાત જેવી ગાઢ ઊંઘ કેમ નથી આવતી? આની પાછળ કોઈ જાદુ નથી, પરંતુ માનવ શરીર અને વિજ્ઞાનનું એક અદભુત કનેક્શન છે.
સિર્કેડિયન રિધમ એટલે કે બોડી ક્લોક
આપણા શરીરની અંદર એક કુદરતી ઘડિયાળ કામ કરે છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'સિર્કેડિયન રિધમ' કહેવામાં આવે છે. આ આંતરિક ઘડિયાળ આપણા મગજના એક ખાસ ભાગ દ્વારા નિયંત્રિત થાય છે. તે 24 કલાકના ડે નાઈટ સાઈકલ સાથે જોડાયેલી હોય છે. જેમ જેમ સૂરજ આથમે છે અને અંધારું થાય છે, તેમ તેમ આ બોડી ક્લોક શરીરને સંકેત આપે છે કે હવે આરામ કરવાનો સમય થઈ ગયો છે.
મેલાટોનિન હોર્મોનનો ખેલ
રાત્રે ઊંઘ આવવામાં 'મેલાટોનિન' નામનો હોર્મોન સૌથી મહત્વનો રોલ પ્લે કરે છે. આ હોર્મોન આપણા મગજમાં આવેલી પીનિયલ ગ્રંથિમાંથી બહાર નીકળે છે. વાત કરીએ આ હોર્મોનના ખાસિયતની તો તે એ છે કે તે અંધારામાં જ સૌથી વધુ સક્રિય થાય છે. રાતે અંધારું થતાં જ શરીરમાં મેલાટોનિનનું સ્તર ઝડપથી વધે છે, જેનાથી આપણને આરામનો અનુભવ થાય છે અને ઘેરી ઊંઘ આવે છે. જ્યારે દિવસે સૂર્યપ્રકાશ અથવા તેજસ્વી લાઈટના કારણે આ હોર્મોન બનવાનું બંધ થઈ જાય છે, જેથી આપણે જાગતા રહીએ છીએ.
ઉત્ક્રાંતિ અને પૂર્વજોની આદત
માનવ ઇતિહાસ અને ઉત્ક્રાંતિ પણ આની પાછળ જવાબદાર છે. આદિકાળથી મનુષ્ય 'દિવાચર' પ્રાણી રહ્યો છે, એટલે કે દિવસના પ્રકાશમાં શિકાર કે કામ કરવું અને રાતના અંધારામાં હિંસક પ્રાણીઓથી બચવા માટે ગુફાઓમાં છુપાઈને સૂઈ જવું. હજારો વર્ષોની આ પ્રક્રિયા આપણી જીન્સ એટલે કે ડીએનએમાં વણાઈ ગઈ છે.
બોડીનું રિસેટ અને રિપેરિંગ મોડ
આખો દિવસ કામ કર્યા પછી આપણું શરીર અને મગજ થાકી જાય છે. રાત્રિના સમયે જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે આપણું શરીર 'રીપેરિંગ મોડ'માં જતું રહે છે. મગજ આખા દિવસની યાદોને ફિલ્ટર કરે છે અને બિનજરૂરી કચરો સાફ કરે છે. બોડીના મસલ્સનું રીપેરીંગ પણ આ જ સમયે થાય છે.
ડિજિટલ યુગમાં કેમ બગડી રહી છે ઊંઘ?
આજના સમયમાં લોકો રાત્રે મોડે સુધી મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન સામે બેસી રહે છે. આ ગેજેટ્સમાંથી નીકળતી 'બ્લુ લાઈટ' (Blue Light) આપણા મગજને છેતરે છે અને મગજને લાગે છે કે હજી દિવસ જ છે. પરિણામે મેલાટોનિન હોર્મોન રીલીઝ થતો નથી અને ઊંઘ ન આવવાની કે અનિદ્રાની સમસ્યા સર્જાય છે. આથી જ, સ્વસ્થ રહેવા માટે કુદરતના આ નિયમને ફોલો કરવો અને રાત્રે સમયસર સૂઈ જવું ખૂબ જ જરૂરી છે.