Sat Jul 11 2026

Logo

શું તમે પણ ઓફિસમાં કલાકો સુધી એકધારા બેસી રહો છો? સાવધાન! આ આદત વધારી શકે છે કેન્સરથી મોતનું જોખમ

2026-07-10 18:57:36
Author: Darshana Visaria
Article Image

Chat GPT Generated Image


આજના આધુનિક યુગમાં ઓફિસનું કામ હોય કે ઘરે બેસીને લેપટોપ પર કામ કરવું, લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ બેઠાડુ જીવનશૈલી તમને ગંભીર બીમારી તરફ ધકેલી રહી છે? એક નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જો તમે સતત 30 મિનિટ કરતાં વધારે સમય સુધી એકધારા બેસી રહો છો, તો તે કેન્સરથી થતા મૃત્યુના જોખમને નોંધપાત્ર રીતે વધારી શકે છે.

યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના સંશોધકો દ્વારા કરવામાં આવેલી અને 'પીએલઓએસ મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયેલી આ સ્ટડીમાં 12 વર્ષ સુધી 91000થી વધુ લોકોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવામાં આવી હતી. સ્ટડીમાં સામે આવ્યું છે કે, આખા દિવસમાં તમે કુલ કેટલા કલાક બેસો છો તેના કરતા, તમે 'સતત કેટલી વાર સુધી' બેસી રહો છો તે વધુ મહત્વનું છે. સતત ૩૦ મિનિટ કે તેથી વધુ સમય સુધી બેસી રહેનારા લોકોમાં કેન્સરથી મૃત્યુ પામવાનું જોખમ વધુ જોવા મળ્યું હતું. રિસર્ચ મુજબ, લાંબા સમય સુધી સતત બેસવાના દરેક વધારાના કલાક સાથે આ જોખમ ૯ થી ૧૦ ટકા વધી જાય છે.

કેવી રીતે બચી શકાય? 

સંશોધકોએ આ સમસ્યામાંથી બહાર આવવા માટે સરળ પણ અસરકારક ઉપાયો સૂચવ્યા છે, જેમ કે-

હળવી ગતિવિધિ: જો તમે એક કલાકથી વધુ બેસી રહ્યા હોવ, તો વચ્ચે થોડી વાર ટહેલવું કે નાના-મોટા કામ કરવાથી કેન્સરથી મૃત્યુનું જોખમ ૧૨ ટકા સુધી ઘટી શકે છે.

મધ્યમ કસરત: 30 મિનિટનું બ્રિસ્ક વોક પણ આ જોખમને આઠ ટકા સુધી ઘટાડી શકે છે.

હેવી એક્સરસાઈઝ: સૌથી વધુ ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે માત્ર ૫ મિનિટની તેજ કસરત કરો છો. આ ૫ મિનિટની કસરત કેન્સરથી મૃત્યુના જોખમને ૨૨ ટકા સુધી ઘટાડી શકે છે.

એક્સપર્ટ્સ આ વિશે શું કહે છે? 

આ સ્ટડીના મુખ્ય સંશોધક ડૉ. ફ્રેડરિક હો જણાવે છે કે, "લોકોએ માત્ર જીમ જવા પર નિર્ભર રહેવાને બદલે સતત બેસી રહેવાની પોતાની આદત બદલવી પડશે." લાંબા સમય સુધી બેસવાથી સ્નાયુઓ નિષ્ક્રિય થઈ જાય છે, જે બ્લડ સુગર અને ઈન્સ્યુલિનના સ્તરને બગાડે છે અને શરીરમાં સોજા આવવા જેવી વિવિધ સમસ્યાઓનો આમંત્રણ આપે છે.

જો કે આ અભ્યાસ એક સંબંધ (correlation) દર્શાવે છે અને તે સીધું સાબિત કરતું નથી કે બેસવાથી જ કેન્સર થાય છે, છતાં પણ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, દરેક ૩૦ મિનિટે એકાદ-બે મિનિટ માટે ઊભા થવું અને હલનચલન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.

(ડિસ્ક્લેમરઃ આ માહિતી પબ્લિક પોર્ટલ પરથી લેવામાં આવી છે, મુંબઈ સમાચાર આ બાબતની કોઈ પુષ્ટિ કરતું નથી.)