એક સમય હતો કે જ્યારે વ્યક્તિની ત્રણ જ મૂળભૂત જરૂરિયા હતા રોટી, કપડાં ઔર મકાન. જોકે, હવે આજના આધુનિક સમયમાં આ ત્રણ વસ્તુ સાથે હજી એક વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને એ એટલે મોબાઈલ ફોન. આજના સમયમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતી હોય. સવારે આંખ ખૂલે ત્યારથી લઈને રાત્રે સૂતી વખત સુધી, આપણો મોટાભાગનો કિંમતી સમય મોબાઈલની સ્ક્રીન સામે જ પસાર થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે એક મહિનો મોબાઈલ ફોન નહીં વાપરો તો શું થશે? ચાલો આજે તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ, શોર્ટ વીડિયો, ઓનલાઈન ગેમ્સ અને સતત આવતા નોટિફિકેશન લોકોને કલાકો સુધી મોબાઈલ ફોન સાથે જકડી રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો માત્ર એક મહિના માટે સ્માર્ટફોનથી સંપૂર્ણ અંતર બનાવી લેવામાં આવે, તો તમારા શરીર અને મગજ પર તેની શું અસર થઈ શકે? તાજેતરમાં જ કેટલાક લોકોએ એક મહિના સુધી સ્માર્ટફોનનો ત્યાગ કરીને પોતાનો અનુભવ શેર કર્યો છે, જેમાં ચોંકાવનારા અને સકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
માઈન્ડ પહેલાં કરતાં વધુ શાંત અને ફોકસ્ડ બનશે
સ્માર્ટફોનનો સતત ઉપયોગ મગજને દર સેકન્ડે નવી માહિતી અને નોટિફિકેશનના દબાણ હેઠળ રાખે છે. આ કારણે વારંવાર ધ્યાન ભટકવું અને કોઈ એક કામ પર લાંબા સમય સુધી ફોકસ ન કરી શકવું એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે. પ્રયોગ દરમિયાન જે લોકોએ એક મહિના સુધી સ્માર્ટફોનથી દૂરી બનાવી, તેમણે સ્વીકાર્યું કે તેમનો એકાગ્રતાનો પાવર (Focus) અદ્ભુત રીતે વધી ગયો છે અને તેઓ પોતાના કામને વધુ સારી રીતે પૂર્ણ કરી શકે છે.
સ્લિપિંગ સાઈકલમાં થશે સુધારો
મોટાભાગના લોકોને રાત્રે સૂતા પહેલા અંધારામાં કલાકો સુધી ફોન જોવાની કુટેવ હોય છે, જેનાથી આંખો અને મગજને આરામ મળતો નથી અને મોડી રાત સુધી ઊંઘ આવતી નથી. સ્માર્ટફોનથી દૂર રહ્યા બાદ લોકોએ અનુભવ્યું કે તેમની ઊંઘની ગુણવત્તા સુધરી છે. તેઓ રાત્રે સમયસર અને ઝડપથી સૂઈ શક્યા અને સવારે એકદમ ફ્રેશ અને તરોતાજા થઈને જાગ્યા. નિષ્ણાતો પણ માને છે કે સ્ક્રીન ટાઈમ ઓછો કરવાથી અનિદ્રાની સમસ્યા કાયમી ધોરણે દૂર થઈ શકે છે.
રિયલ સોશિયલ લાઈફ અને સંબંધો મજબૂત થશે
જ્યારે હાથમાં ફોન નથી હોતો, ત્યારે લોકો આપોઆપ પોતાની આસપાસની વસ્તુઓ અને વ્યક્તિઓ પર ધ્યાન આપવા લાગે છે. ડિજિટલ બ્રેક લેનારા લોકોએ જણાવ્યું કે તેઓએ સોશિયલ મીડિયા પર સમય બગાડવાને બદલે પોતાના પરિવાર અને વાસ્તવિક મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. કેટલાક લોકોએ રૂબરૂ વાતચીત કરવામાં વધુ રસ દાખવ્યો અને નવા મિત્રો પણ બનાવ્યા. ફોનની જગ્યાએ પુસ્તકો વાંચવા, સાંજે ફરવા જવું કે જૂના શોખ પૂરા કરવા પાછળ સમય આપવાથી તેમની માનસિક સંતોષમાં વધારો થયો હતો.
ખાલી સમયે ફોન જોવાની લત છૂટી જશે
સ્માર્ટફોનની સૌથી ખરાબ આદત એ છે કે આપણને થોડી પણ નવરાશ મળે કે તરત જ આપણો હાથ ખિસ્સામાં રહેલા ફોન તરફ જાય છે અને આપણે સ્ક્રોલિંગ શરૂ કરી દઈએ છીએ. બસ કે ટ્રેનની રાહ જોતી વખતે, લાઈનમાં ઊભા હોય ત્યારે કે ઓફિસમાં બ્રેક દરમિયાન પણ લોકો સ્ક્રીનમાં ડૂબેલા રહે છે. એક મહિના સુધી ફોનથી દૂર રહેનારા લોકોએ અનુભવ્યું કે તેઓ ધીમે-ધીમે આ માનસિક લતમાંથી બહાર આવી ગયા છે. ફોન વિના ખાલી બેસવાથી મગજને પૂરતો આરામ મળ્યો અને લોકો પોતાના વિચારો સાથે સકારાત્મક સમય વિતાવી શક્યા.
તો શું ફોન વાપરવો સાવ બંધ કરી દેવો જોઈએ?
હેલ્થ એક્સપર્ટ્સના મતે, દરેક વ્યક્તિ માટે આખો મહિનો ડિજિટલ બ્રેક લેવો કદાચ વ્યવહારિક રીતે શક્ય ન પણ હોય, કારણ કે આજે ઓફિસ અને બિઝનેસના ઘણા કામો ફોન પર જ થાય છે. પરંતુ આ પ્રયોગ પરથી એટલું જરૂર સમજી શકાય કે બિનજરૂરી સોશિયલ મીડિયા સ્ક્રોલિંગથી બચવું, સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવો અને દિવસના કેટલાક કલાકો ફોનને સાઈડમાં મૂકી દેવા આપણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ જ સાચો જીવનમંત્ર છે.