લોકો ડૉક્ટરને ભગવાન અને હોસ્પિટલને મંદિર માનતા હોય છે, પરંતુ કેટલીક વખતે ડૉક્ટરો દ્વારા એવા કામ કરવામાં આવે છે કે, અનેક સવાલો થવા લાગે છે. હરિયાણાના ગુરુગ્રામ (Gurugram) માંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને આધુનિક મેડિકલ સાયન્સની આઈવીએફ (IVF - ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયા સામે મોટા સવાલો ઉભા કરી દીધા છે. એક દંપતીએ દાવો કર્યો છે કે, IVF દ્વારા જન્મેલી તેમની જોડિયા બાળકીઓનો DNA ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, એટલે કે બાળકીઓનો DNA તેમના માતા-પિતા સાથે બિલકુલ મેચ થયો નથી. આ સમાચારથી માતા-પિતા સ્તબ્ધ થઈ રહ્યાં છે. કારણ કે, જે માતાએ બે દીકરીઓને જન્મ આપ્યો છે, તે વાસ્તવમાં તેની છે જ નહીં! ચાલો જોઈએ આ અહેવાલ...
DNA ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી લાચાર પરિવાર વહીવટીતંત્રને એક જ સવાલ પૂછી રહ્યો છે કે, "અમારા અસલી બાળકો ક્યાં છે?, પરંતુ તંત્ર પાસે આનો કોઈ જ જવાબ નથી. એટલું જ નહીં પરંતુ કાયદો પણ આ પરિવારની મદદ કરવામાં આંધળો થઈ ગયો છે. જો હોસ્પિટલ કે ડૉક્ટરો દ્વારા IVF દરમિયાન કોઈ છેડછાડ કરવામાં આવી હોય તો તે ખૂબ જ મોટો ગુનો છે, જેની સામે કાયદાસેરની કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ આ પરિવારની મદદ કરવામાં કાયદો પણ અમીરોના દ્વારે જઈને બેસી ગયો છે.
ચહેરો અલગ દેખાતા શંકા ગઈ અને સત્ય સામે આવ્યું
પીડિત રાહુલ રાઠોડ અને તેમની પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગત વર્ષે ડૉક્ટરની સલાહ પર તેમણે ગુરુગ્રામના એક પ્રતિષ્ઠિત IVF સેન્ટરમાં સારવાર શરૂ કરાવી હતી. તમામ જરૂરી તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ, 14 માર્ચે ભ્રૂણને મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં મહિલાએ ઓપરેશન દ્વારા બે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો. પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ થોડા દિવસોમાં જ એક વાતે તેમની ચિંતા વધારી દીધી.

બંને બાળકીઓમાંથી જે નાની દીકરી હતી, તેનો ચહેરો પરિવારના કોઈ સભ્ય સાથે મળતો આવતો નહોતો. તેના નૈન-નક્ષ ઉત્તર-પૂર્વ ભારતના લોકો જેવા દેખાતા હતા. મનમાં શંકા વધતા દંપતીએ બંને બાળકીઓનો DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. જ્યારે લેબમાંથી રિપોર્ટ આવ્યો ત્યારે માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું કે બંનેમાંથી એકપણ બાળકી તેમની પોતાની નહોતી. ભ્રૂણ બદલાઈ જવાના કારણે આ મોટી ગરબડ થઈ હતી.
ન્યાય માટે લાંબી કાનૂની લડત
આટલી મોટી છેતરપિંડી અને બેદરકારી સામે આવ્યા બાદ રાહુલ રાઠોડે પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પોલીસે શરૂઆતના ત્રણ મહિના સુધી કોઈ એફઆઈઆર જ નોંધી નહીં. આખરે થાકીને દંપતીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા. અદાલતના કડક હસ્તક્ષેપ બાદ 31 માર્ચે ગુનો નોંધાયો હતો, પરંતુ તેના બીજા જ દિવસે તપાસ પર સ્ટે આવી ગયો હતો. તાજેતરમાં 5 જૂનના રોજ આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. કોર્ટે કડક વલણ અપનાવીને પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ સંબંધિત IVF સેન્ટરમાંથી બાળકોના તમામ રેકોર્ડ અને જરૂરી દસ્તાવેજો તાત્કાલિક જપ્ત કરે. કોર્ટના આદેશ બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે.
શા માટે ત્રણ મહિના સુધી ફરિયાદ નોંધવામાં ના આવી?
આ સમગ્ર વિવાદ અને માનસિક તણાવે બાળકીઓને જન્મ આપનારી માતાને અંદરથી તોડી નાખી છે. પીડિત માતાએ રડતા રડતા પોતાનું દર્દ ઠાલવતા કહ્યું કે, ‘આ મારી ત્રીજી સિઝેરિયન ડિલિવરી હતી. મારા શરીરમાં અસહ્ય દુખાવો હતો, તેમ છતાં ડિલિવરીના થોડા જ દિવસો બાદ મને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતી હતી. ત્યાં મારે કલાકો સુધી બેસી રહેવું પડતું હતું, પણ કોઈ મારી ફરિયાદ સાંભળતું નહોતું. ગર્ભવતી હું થઈ, બાળકોને જન્મ મેં આપ્યો, પણ તે અમારા નથી! આ ભૂલ માટે કોણ જવાબદાર છે? વહીવટીતંત્રને મારી હાથ જોડીને વિનંતી છે કે અમારા અસલી બાળકોને શોધીને અમારી પાસે લાવવામાં આવે’.
આઈવીએફ સેન્ટરોના નિયમન પર મોટે પ્રશ્ન
આ ઘટનાએ મેડિકલ ક્ષેત્રે ચાલતી આવી ગંભીર બેદરકારીઓ અને આઈવીએફ સેન્ટરોના નિયમન પર મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. હાલમાં આ મામલે કાનૂની તપાસ ચાલી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, 6 મહિના વિતી ગયા હોવા છતાં પણ આ પરિવારને ન્યાય મળ્યો નથી. ના તો આ પરિવારને તેમના અસલી બાળકો મળ્યાં છે! આખરે આવા ગંભીર કેસમાં તંત્ર દ્વાર શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ પણ થાય છે કે, શું આ કેસમાં કોઈ મોટા વ્યક્તિનો હાથ હશે? બાળકો બદલાયા છે તે વાત તો નક્કી છે, પરંતુ આ કામ કર્યું કોણે તેને જવાબ હજી મળ્યો નથી. પરિવાર હોસ્પિટલ, ડૉક્ટર અને તંત્રથી નારાજ છે અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યો છે. કોઈ મદદે ના આવ્યું એટલે પરિવારે મીડિયાનો સંપર્ક કર્યો અને મદદ માટે ગુહાર લગાવી હતી.