Tue Jul 28 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ સિસ્ટમને સુધારવા માટે એકાઉન્ટિબિલિટી નક્કી કરવી પડે

2026-07-28 08:14:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

કોક્રૉચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રચંડ આંદોલનને પગલે સફાળી જાગેલી કેન્દ્રની ભાજપ સરકારે ભવિષ્યમાં પેપર લીક રોકવા અને પરીક્ષા પધ્ધતિમાં સુધારા માટે ધડાધડ પગલાં લેવા માંડ્યાં છે. તેના ભાગરૂપે એક તરફ પેપર લીક વિરોધી કાયદાને કડક બનાવવાનો ખરડો સંસદમાં રજૂ કરી દેવાયો તો બીજી તરફ એક ટાસ્ક ફોર્સ પણ રચી દીધી. 

પેપર લીકને રોકવા માટે 2024માં બનાવાયેલા કાયદાની જોગવાઈઓ કડક કરાઈ છે. આ જોગવાઈઓ પ્રમાણે, પેપર લીકના દોષિતોને 10 વર્ષની સજા અને 10 કરોડ સુધીના દંડની જોગવાઈ છે જ્યારે ટાસ્ક ફોર્સ પરીક્ષા પદ્ધતિમાં શું સુધારા કરવા અનિવાર્ય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

ભારતની ટોચની આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક અને ભારતમાં આધાર કાર્ડની વ્યવસ્થા વિકસાવવાનું શ્રેય જેમને અપાય છે એવા નંદન નિલેકણીના વડપણ હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સમાં ઈસરોના ભૂતપૂર્વ વડા એસ. સોમનાથ, આઈબીના જૂના ચીફ તપન ડેકા, ભૂતપૂર્વ શિક્ષણ સચિવ અને ગુજરાત કેડરનાં આઈએએસ અધિકારી અનિતા કરવાલ, આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટિ અને લોજિસ્ટિક નિષ્ણાત અમૃતલાલ મીણા એમ છ સભ્યો છે. આ છ ધુરંધરો દેશમાં તમામ સ્તરની પરીક્ષાઓને કઈ રીતે બહેતર અને પારદર્શક બનાવવી એ માટેની ભલામણો કરશે. તેમાં મુખ્ય ભાર સાયબર સિક્યુરિટી પર છે કેમ કે પેપર ફૂટવામાં મુખ્ય ભૂમિકા હેકર્સની છે. 

ટાસ્ક ફોર્સને બીજાં પણ કામ સોંપાયાં છે ને બધી વાતોનો સાર એ જ છે કે, એવી સજજ્ડબંબ વ્યવસ્થા ઊભી કરો કે ભવિષ્યમાં કોઈ પેપર ફૂટે જ નહીં. આપણે મમ મમ સાથ કામ છે, ટપ ટપ સાથે નહીં એ જોતાં ટાસ્ક ફોર્સને શું કામ સોંપાયું છે ને એ શું ભલામણો કરે છે એ બધું આપણા માટે મહત્ત્વનું નથી. એ બધી ટેકનિકલ વાતો છે ને તેની સાથે લોકોને કંઈ લેવાદેવા નથી. લોકો માટે મહત્ત્વની વાત પેપર ના ફૂટે,  તેના કારણે યુવાઓમાં હતાશા ના ફેલાય ને હતાશાના કારણે છોકરાં-છોકરી આપઘાત ના કરે એ છે. 

ભારતમાં અત્યાર સુધીનો અનુભવ એવો છે કે, લોકોના આક્રોશને ઠંડો પાડવા માટે સરકાર ટાસ્ક ફોર્સ સહિતનાં ગતકડાં ઊભાં તો કરી દે છે પણ તેનું કોઈ નક્કર પરિણામ આવતું નથી. મોટા ભાગના કિસ્સામાં તો ટાસ્ક ફોર્સે પ્રમાણિકતાથી કામ કરીને સારી ભલામણો કરી હોય પણ તેના કારણે સરકારમાં બેઠેલાં લોકોનાં હિતો જોખમાતાં હોય તેના કારણે આ ભલામણોનો અમલ જ થતો નથી. અમલ થાય તો એવો અધકચરો થાય કે તેના કારણે ઠેરના ઠેર જ રહીએ. તેનું કારણ એ કે, ગમે તેવી સારી ભલામણોનો અમલ જેણે કરવાનો છે એ તંત્ર જ સડેલું છે. આ તંત્રમાં બેઠેલા લોકોને ગમે તે રીતે ગાડું ગબડાવવામાં ને પોતાનું ઘર ભરવા સિવાય બીજા કશામાં રસ નથી હોતો તેથી ધકેલ પંચ્યાં દોઢસો કરીને તંત્ર ચલાવ્યા કરે છે. 

પ્રજાએ ચૂંટેલા જન પ્રતિનિધીઓને પણ લોકોનું ભલું કરવા કરતાં સત્તા પર ટકી રહેવામાં વધારે રસ હોય છે ને ભાગબટાઈમાં પણ રસ હોય છે તેથી એ લોકો પણ આંખ આડા કાન કરીને બધું ચાલવા દે છે. આ કારણે ટાસ્ક ફોર્સ રચાય કે કમિશનો રચાય કે બીજું કશું પણ રચાય, કોઈ જ ફરક પડતો નથી. નીટનું પેપર ફૂટવા જેવી મોટી ઘટના બને ને લોકોનો આક્રોશ જબરદસ્ત રીતે ફાટી નિકળે ત્યારે લોકોને શાંત પાડવા માટે ટાસ્ક ફોર્સ કે જ્યુડિશિલ કમિશન જેવાં થાગડથિગડ પગલાં ભરી દેવાય છે પણ તેનું કોઈ નક્કર પરિણામ આવતું નથી એ જોતાં નંદન નિલેકણીના નેતૃત્વ હેઠળની ટાસ્ક ફોર્સના કારણે બધું સારું થઈ જશે એવી આશા રાખવા જેવી નથી. 

મોદી સરકાર ખરેખર ભવિષ્યમાં પેપર ના ફૂટે એવું ઈચ્છતી હોય તો તેણે પરીક્ષા પદ્ધતિ સાથે સંકળાયેલાં લોકોની જવાબદારી એટલે કે એકાઉન્ટિબિલિટી નક્કી કરવાનો કાયદો બનાવવો જોઈએ. ભારતમાં ખરેખર તો તમામ સરકારી કર્મચારીની એકાઉન્ટિબિલિટી નક્કી કરવાના કાયદાની જરૂર છે કેમ કે ભારતમાં સરકારી તંત્ર તેની ક્ષમતા પ્રમાણે કામ જ કરતું નથી. ભારતમાં સરકારી તંત્રમાં નોકરી મળે એટલે પછી કોઈ કશું બગાડી નથી શકતું. તેના કારણે સરકારી કર્મચારીઓ એવું માનીને જ વર્તે છે કે, આપણે કામ નહીં કરીશું તો કોઈ કશું ઉખાડી શકવાનું નથી પછી ખાલીપીલી ટેન્શન ક્યું લેના ? 

આ માનસિકતા બદલવા માટે સરકારી કર્મચારીઓની એકાઉન્ટિબિલિટી નક્કી કરવાની જરૂર છે. એકાઉન્ટિબિલિટીનો મતલબ, દરેક સરકારી કર્મચારીની ફરજો નક્કી કરવી અને આ ફરજો નક્કી કરેલા સમયમાં ના બજાવે તો લાત મારીને તગેડી મૂકવા. બહુ ગંભીર ના હોય એવી બાબતોમાં પગાર કાપવા સહિતનાં પગલાં લઈ શકાય પણ પેપર ફૂટવા સહિતની ગંભીર બાબતોમાં ચાબૂક ચલાવીને આઉટ કરી દેવા એ જ ઉપાય છે. ભારતમાં ભય વિના પ્રીતિ નથી થતી એ જોતાં સરકારી કર્મચારીઓને પણ પોતાની ફરજોને પ્રેમ કરતાં કરવા હોય તો ડર પેદા કરવો જ પડે. 

સરકારી કર્મચારીઓમાં એક વર્ગ પ્રમાણિક હોય છે ને ખરેખર કામ કરવા માગે છે પણ લબાડ ઉપરી અધિકારીઓ કે રાજકીય દબાણના કારણે કામ નથી કરી શકતા. આ કર્મચારીઓને કામ કરતા રોકનાર અધિકારી કે રાજકારણીઓને સજા થાય એવી જોગવાઈ કરીને સરકારી તંત્રને કામ કરતું કરી શકાય. આ શક્ય છે ને સવાલ રાજકીય ઈચ્છાશક્તિનો છે. આપણા સરકારી કર્મચારીઓને વરસોથી કામ નહીં કરવાની આદત પડી છે એટલે સરકારી કર્મચારીઓનાં યુનિયનો પણ વિરોધ કરવાનાં પણ લોકોનો ટેકો મળે એ જોતાં મોદી સરકારે સૌથી પહેલું કામ સરકારી કર્મચારીઓની એકાઉન્ટિબિલિટી નક્કી કરાવની છે. 

આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરતા હોય ને તેમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે જ છે. મોદી સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઉભી કરી તેનું બધું કામ કોન્ટ્રાક્ટ પર ચાલે છે. આ કોન્ટ્રાક્ટમાં ક્યાંય પણ લોચાલાપસી થાય કે ભ્રષ્ટાચારની ગંધ આવે તરત કોન્ટ્રાક્ટરને સૌથી પહેલાં આજીવન બ્લેક લિસ્ટ કરવા સહિતનાં પગલાં લેવાં પડે. 

આપણે ત્યાં કંપનીઓને બ્લેક લિસ્ટ કરવાનાં પગલાં લેવાય છે ને તેનો ગેરફાયદો એ રીતે ઉઠાવાય છે કે, કરુબાજ માણસ નવી કંપની બનાવીને પાછો કોન્ટ્રાક્ટ લેતો થઈ જાય છે. તેના બદલે એ વ્યક્તિ ભવિષ્યમાં કોઈ પણ કંપનીના નામે કે એજન્સીના નામે કોન્ટ્રાક્ટ ના લઈ શકે એવી વ્યવસ્થા થાય તો બહુ મોટો ફરક પડી જાય. તેની સાથે સાથે અધિકારી કે કર્મચારીને પણ ઘરભેગા કરાય તો આપોઆપ બધા સીધાદોર થઈ જાય. મોદી સરકારે શિક્ષણ પદ્ધતિને સારી બનાવવી હોય તો આ પગલું સૌથી પહેલા લેવું પડે, ટાસ્ક ફોર્સ સહિતનાં પગલાંથી બહુ ફરક નહીં પડે.