Sat Sep 05 2026

Logo

કોહલી-ગંભીર વિશેની અટકળો વચ્ચે બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે ખુલાસો કરી દીધો કે...

Cardiff   2026-07-17 17:15:23
Author: Ajay Motiwala
કોહલી-ગંભીર વિશેની અટકળો વચ્ચે બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે ખુલાસો કરી દીધો કે...

કાર્ડિફઃ ભારતના બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી અને હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) વચ્ચે મતભેદ હોવાની અટકળને ટીમ ઇન્ડિયાના બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે ખોટી પાડતાં કહ્યું છે કે પ્રૅક્ટિસ સેશનમાં ભલે બન્ને વચ્ચે અંતર જોવા મળતું હોય, પરંતુ તેઓ દિવસમાં 10 વખત એકમેક સાથે વાતચીત કરતા હોય છે.

થોડા સમયથી અટકળ ચાલી રહી છે કે કોહલી અને ગંભીર એકબીજા સાથે નથી બોલતા અને પ્રૅક્ટિસ સેશનમાં કોહલી હેડ-કોચને મળવાનું ટાળતો હોય છે. એવી પણ અટકળ ફેલાઈ છે કે બીસીસીઆઇને કોઈએ વિનંતી કરી છે કે કોઈ મધ્યસ્થીની મદદ લો, કોહલી-ગંભીરને ટેબલ પર સામસામે લાવો અને તેમની વચ્ચેનો ખટરાગ દૂર કરાવો. બર્મિંગમની પ્રથમ વન-ડે અને કાર્ડિફની બીજી વન-ડે પૂર્વે પ્રૅક્ટિસ સત્ર દરમ્યાન કોહલી-ગંભીર વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ અને સેશન બાદ કોહલી બૅટિંગ-કોચ કોટક (Kotak) સાથે ચર્ચા કરી રહેલો જોવા મળ્યો હતો અને ત્યાર બાદ કોટકે ગંભીર સાથે વાતચીત કરી હતી.

બન્ને વચ્ચે મધ્યસ્થીની કોઈ જરૂર નથી

શું તમે કોહલી-ગંભીરના મતભેદો દૂર કરવા માટેની કડી બન્યા છો? એવા એક પત્રકારના સવાલના જવાબમાં કોટકે હસતાં કહ્યું, `વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર દિવસમાં દસ વખત એકમેક સાથે વાતચીત કરતા હોય છે. મને નથી લાગતું કે તેને (કોહલીને) ગંભીર સુધી પોતાના વિચારો પહોંચાડવા કોઈ મધ્યસ્થીની જરૂર છે. બન્ને જણ એકમેક સાથે નથી બોલતા એ વાત ક્યાંથી આવી એ જ મને નથી સમજાતું. એ માત્ર અફવા છે.'

કોહલીને કોઈએ વણમાગી સલાહ ન આપવી જોઈએ: કોટક

કોટકની પહેલાં અભિષેક નાયર ટીમ ઇન્ડિયાનો બૅટિંગ-કોચ હતો. નાયરે તાજેતરમાં કહ્યું હતું કે `જ્યાં સુધી ખુદ વિરાટ બૅટિંગની બાબતમાં કોઈ પ્રકારની સલાહ ન માગે ત્યાં સુધી તેને કોઈએ સલાહ ન આપવી જોઈએ એવું મારું માનવું છે.' નાયરની આ વાતના અનુસંધાનમાં કોટકે પણ કહ્યું છે કે `વિરાટ જ્યારે બૅટિંગ કરવા જવાનો હોય ત્યારે જ્યાં સુધી તે કોઈ બાબતની સલાહની અપેક્ષા ન રાખે અથવા કોઈ મોટી વાતથી તેને વાકેફ ન કરવાનો હોય ત્યાં સુધી તેને ખલેલ પહોંચાડવાનો કોઈ અર્થ જ નથી. તેને વણમાગી સલાહ આપવાની કોઈ જ જરૂર નથી હોતી.'

કોહલી સાથે બૅટિંગની બાબતમાં તમારી શું ચર્ચા થતી હોય છે? એવું પૂછાતાં કોટકે કહ્યું, `અમે ખાસ કરીને તેના ફૂટવર્ક બાબતમાં ચર્ચા કરીએ છીએ. કેટલીક બાબતો પર કાર્ડિફની ગુરુવારની બીજી વન-ડે પૂર્વેના નેટ સેશનમાં અને નેટ-પ્રૅક્ટિસ પછી તેની સાથે મારી ચર્ચા થઈ હતી.'