Sat Jul 18 2026

Logo

રોહિત શર્મા અને વિરાટ કોહલી લૉર્ડ્સ વન ડેમાં રચશે ઇતિહાસ, જાણો વિગત

Lord's   2026-07-17 14:33:13
Author: Mayur Patel
Article Image

લૉર્ડ્સઃ રવિવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની અંતિમ વન-ડે ભારતના બે ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી એક નવો રેકોર્ડ રચશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જ્યારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની એક સાથે રમેલી 400મી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ભારતીય ક્રિકેટમાં એક સાથે બે પ્લેયર્સે આટલી મેચ સાથે રમી હોય તેવું આ પહેલાં ક્યારેય નથી થયું. બંને દિગ્ગજ ક્રિકેટર સાથે 399 મેચ રમી ચુક્યા છે. રોહિત અને કોહલી ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસની જાહેરાત કરી ચુક્યા છે, જો બંને રમતા હોત તો આ ઈતિહાસ પહેલાં જ રચાયો હોત.

રોહિત શર્મા અને વિરાટ કોહલી હજુ પણ ભારત તરફથી સૌથી વધુ મેચ રમનારી જોડી છે. થોડા સમય પહેલાં બંનેએ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓ 391 મેચ સાથે રમ્યા હતા. રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સાથે 369 મેચ રમ્યા હતા.

રોહિત શર્મા નથી ફોર્મમાં

હાલ રોહિત શર્મા ઇંગ્લૅન્ડ સામે રમાઈ રહેલી સિરીઝમાં ફોર્મમાં નથી. તેણે બે મેચમાં માત્ર 37 રન જ બનાવ્યા છે. પ્રથમ મેચમાં 21 બૉલમાં 11 રનની ધીમી ઈનિંગ રમી હતી. બીજી મેચમાં તેણે 47 બૉલમાં 26 રન જ બનાવ્યા હતા. રોહિતના કંગાળ ફોર્મ વચ્ચે રવિવારે ઐતિહાસિક લૉર્ડ્સમાં રમાનારી મેચ તેના કરીઅરની અંતિમ મેચ હશે તેવી અટકળો થઈ રહી છે.  સિલેક્ટરો રોહિતને આ શ્રેણી પછી કોઈ વન-ડે સિરીઝ માટેની ટીમમાં સિલેક્ટ કરશે એની સંભાવના બહુ ઓછી છે. બની શકે કે આ વાત રોહિતને જણાવી દેવામાં આવી હશે અથવા ખુદ રોહિત ટેસ્ટ અને ટી-20 પછી હવે વન-ડેમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દેશે.

રોહિત છેલ્લી આઠ વન-ડેમાં 88.6ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ફક્ત 241 રન બનાવી શક્યો છે. રોહિતને 2027ના વર્લ્ડ કપ સુધી વન-ડેની ટીમમાં જાળવી રાખવામાં આવશે એવી સંભાવના ન હોવાથી રવિવાર તેની કરીઅરનો અંતિમ દિવસ બની શકે છે. જોકે હજુ સુધી રોહિતે આ અંગે મગનું નામ મરી નથી પાડ્યું કે બીસીસીઆઈએ પણ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

સાથે મેચ રમનારી ભારતની ટોપ-6 જોડી

1. રોહિત શર્મા - વિરાટ કોહલીઃ 399 મેચ
2.સચિન તેંડુલકર - રાહુલ દ્રવિડઃ 391 મેચ
3. રાહુલ દ્રવિડ - સૌરવ ગાંગુલીઃ 369 મેચ
4. સચિન તેંડુલકર - અનિલ કુંબલેઃ 367 મેચ
5. સચિન તેંડુલકર - સૌરવ ગાંગુલીઃ 341 મેચ
6. વિરાટ કોહલી - રવિન્દ્ર જાડેજાઃ 309 મેચ

રોહિત શર્માની કેવી છે વન ડે કરીઅર

રોહિત શર્માએ 287 વન ડેની 279 ઇનિંગમાં 11,757 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 33 સદી ફટકારી છે. જેમાં 3 બેવડી સદી પણ સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 264 રન છે.  તેણે 48.58ની સરેરાશથી આ રન બનાવ્યા છે. તે 37 વખત નોટ આઉટ રહ્યો છે. 1108 ચોગ્ગા અને 364 છગ્ગા માર્યા છે. વન ડેમાં રોહિત શર્મા 16 વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. આ ઉપરાંત તેણે વન ડેમાં 9 વિકેટ પણ ઝડપી છે.