Tue Sep 15 2026

Logo

ભારત બીજી વન-ડે હાર્યું, 99 રન પર અટકી ગયેલા જૉ રૂટે સાથી બૅટ્સમૅનને કહી જ દીધું હતું કે...

Cardiff   2026-07-17 12:39:00
Author: Ajay Motiwala
ભારત બીજી વન-ડે હાર્યું, 99 રન પર અટકી ગયેલા જૉ રૂટે સાથી બૅટ્સમૅનને કહી જ દીધું હતું કે...

કાર્ડીફ: અહીં ગુરુવારે રાત્રે સોફિયા ગાર્ડન્સના મેદાન પર ઇંગ્લૅન્ડે ભારત સામે સિરીઝની બીજી વન-ડેમાં 35 બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને વિજય મેળવ્યો ત્યાર બાદ મૅન ઑફ ધ મૅચ જૉ રૂટે (99 અણનમ, 133 બૉલ, નવ ચોગ્ગા) એક ચર્ચા બાબતમાં ખુલાસો કર્યો હતો.

ભારતે વિરાટ કોહલીના 65 રન, શ્રેયસ ઐયરના 66 રન, કેપ્ટન શુભમન ગિલના 31 રન અને જસપ્રીત બુમરાહના અણનમ 20 રનની મદદથી 233 રન કર્યા ત્યાર બાદ ઇંગ્લૅન્ડ (England)એ 44.1 ઓવરમાં છ વિકેટના ભોગે 235 રન કરીને વિજય મેળવી લીધો હતો. એ સાથે ત્રણ મૅચની સિરીઝ 1-1ની બરાબરીમાં થઈ ગઈ છે.

જૉ રૂટે મોકો મળવા છતાં સદી પૂરી ન કરી

ભૂતપૂર્વ કેપ્ટન અને વનડાઉનમાં રમવા આવેલો જૉ રૂટ 99 રન પર જ અટકી ગયો હતો અને વન-ડેની 21મી સેન્ચુરીથી વંચિત રહ્યો હતો. ભારતને હરાવતાં પહેલાં ઇંગ્લૅન્ડના 35 બૉલ બાકી હતા એટલે જો રૂટ આરામથી સેન્ચુરી પૂરી કરી શક્યો હોત. જોકે તેણે સદી પૂરી કરવાને બદલે ટીમ માટે જરૂરી વિજય રન મેળવી લેવા ઍટકિન્સનને કહ્યું હતું.

જો રૂટે ઍટકિન્સનને શું કહ્યું હતું?

જૉ રૂટ  (Root) 99 રને અને ગસ ઍટકિન્સન 23 રને અણનમ રહ્યો હતો. 197મા રને વિલ જૅક્સની છઠ્ઠી વિકેટ પડ્યા બાદ રૂટ અને ઍટકિન્સન વચ્ચે 38 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. 21મી વન-ડે સદી પૂરી કરવા માટે રૂટને એક જ રનની જરૂર હતી છતાં તેણે એ નહોતો બનાવ્યો અને ટીમને વહેલો વિજય અપાવવા સદી જતી કરી હતી એ વિશે મૅચ બાદ પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘સાચું કહું તો હું ક્યારેય અંગત સિદ્ધિ હાંસલ કરવા માટે રમતો જ નથી. હું ટીમને વિજય અપાવવાના એકમાત્ર ઇરાદાથી જ મેદાન પર ઊતરું છું. ટીમને વિજય અપાવવો મારો સૌથી પહેલો અગ્રક્રમ હોય છે. સેન્ચુરી પૂરી જ કરવી એ મારા માટે જરાય મહત્વનું નથી. મેં ઍટકિન્સનને કહી દીધું હતું કે મારી સદી પૂરી કરવા વિશે તું ચિંતા નહીં કરતો. તું તારી રીતે શૉટ ફટકારતો રહેજે અને ટીમને જિતાડવા માટે જરૂરી રન બનાવી લેજે. અમે વર્લ્ડ નંબર-વન ભારતને હરાવ્યું એનો મને વધુ આનંદ છે. ટીમને જિતાડતી વખતે છેક સુધી ક્રીઝમાં રહેવા કરતાં વિશેષ આનંદ બીજો કોઈ નથી.'

સોશિયલ મીડિયા પર જૉ રૂટની પ્રશંસા

જો રૂટે ટીમને જિતાડવા જે નિ:સ્વાર્થ ભાવ બતાવ્યો એ બદલ સોશિયલ મીડિયામાં તેની ખૂબ વાહ વાહ થઈ રહી છે.

હવે છેલ્લી વન-ડે ક્યારે?

ભારત અને ઇંગ્લૅન્ડ સિરીઝમાં 1-1ની બરાબરીમાં છે. હવે ત્રીજી અને છેલ્લી વન-ડે રવિવારે (ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યાથી) લૉર્ડ્સમાં રમાશે. રોહિત શર્માની એ કદાચ અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ બની રહેશે.