નવી દિલ્હી : દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવને નાબૂદ કરવાના મક્કમ ઈરાદા સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને " પ્રમોશન ઓફ ઈક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026" જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. તેમજ આ અંગે દેશભરના વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ ઉમેદવારોને ખાતરી આપી છે કે તેમની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ કરવામાં નહીં આવે.
જે કંઈ પણ થશે તે બંધારણના દાયરામાં હશે
આ અંગે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "હું તમને નમ્રતાપૂર્વક ખાતરી આપવા માંગુ છું કે કોઈની પણ સાથે કોઈ ઉત્પીડન કે ભેદભાવ થશે નહીં. કોઈ પણ કાયદાનો દુરુપયોગ કરશે નહીં તે પછી ભલે તે યુજીસી હોય રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય. જે કંઈ પણ થશે તે બંધારણના દાયરામાં હશે. કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં.
યુજીસીનું નવું નોટિફિકેશન
યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો 2026 જાહેર કર્યા છે. આ નિયમ હેઠળ ચાર મુખ્ય આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
1. દરેક યુનિવર્સિટી/કોલેજમાં સમાનતા સમિતિઓ અને સમાનતા સ્વકોડની રચના કરવામાં આવશે.2. બધી સંસ્થાઓમાં 24x7 હેલ્પલાઇન અને ફરિયાદ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.
3. SC અને ST શ્રેણીના ઉમેદવારોને સંસ્થામાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
4 . આ નિયમોનું ઉલ્લંઘન કરનારાની સંસ્થાઓની માન્યતા રદ કરવામાં આવશે અથવા ગ્રાન્ટ પર રોક લગાવવામાં આવશે.
યુજીસીના નવા નોટિફિકેશનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (યુજીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નોટિફિકેશનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જેમાં યુજીસીની નવી ગાઈડલાઇન્સમા જાતિ આધારિત ભેદભાવને લઇને પડકારવામાં આવી છે. જેમાં અરજદારનો આરોપ છે કે કેટલીક પસંદગીની યુનિવર્સિટીઓને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. જે સમાવેશી વિકાસના સિધ્ધાંતની વિરુદ્ધ છે.