મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી
ડોનલ્ડ ટ્રમ્પ-મારિયા કોરિના માચાડો
અમેરિકન રાષ્ટ્રપતિ (અને હવે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ) ડોનલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાની વિપક્ષી વિરોધી નેતા મારિયા કોરિના માચાડો વચ્ચે નોબેલ શાંતિ પુરસ્કારને લઇને તાજેતરમાં ઘટેલી ઘટનાએ વિશ્વભરના મીડિયા અને રાજકીય વર્તુળોમાં એક ચિંતા જગાવી છે.
તાજેતરમાં માચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કાર મારફતે તેમને માનવાધિકાર, લોકતંત્ર અને શાંતિપૂર્ણ લોકતાંત્રિક બદલાવ માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ટ્રમ્પે એક અભૂતપૂર્વ કારવાઈમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડીને અમેરિકાની જેલમાં બંધ કરી દીધા તે પછી, 15 જાન્યુઆરી 2026ના રોજ માચાડોએ વ્હાઈટ હાઉસમાં જઈને તેમનો નોબેલ શાંતિ પુરસ્કારનું પદક ટ્રમ્પને સુપરત કરી દીધું હતું.
હવે આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારના ‘માલિક’ ટ્રમ્પ છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ ત્યારથી એવું છડેચોક કહેતા હતા કે મેં દુનિયામાં (ભારત-પાકિસ્તાન સહિત) અનેક ઠેકાણે યુદ્ધ અટકાવ્યાં છે, અને તે માટે મને શાંતિ પુરસ્કાર મળવો જોઈએ... ટ્રમ્પ પહેલા રાજનેતા છે જેમણે સામેથી પુરસ્કાર માગ્યો હોય, પણ તે પુરસ્કાર વેનેઝુએલાનાં નેતા મારિયા કોરિના માચાડોને ગયો ત્યારથી ટ્રમ્પ ધુઆંપુઆં હતા અને અંતે કાંડું મરડીને તે પડાવી લીધો છે!
પરિણામ એ આવ્યું છે કે આ પ્રશ્ન ટ્રમ્પ અથવા માચાડો સુધી સીમિત રહ્યો નથી, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કારની પ્રકૃતિ, તેની પ્રતિષ્ઠા અને તેના રાજકીય ઉપયોગ પર પણ ચર્ચા શરૂ થઈ છે. આ વાતને ટ્રમ્પનું ‘ગાંડપણ’ ગણીને ખારીજ કરવા જેવી નથી. અલબત્ત, એ તો છે જ એના ઉપરાંત તેનાં અનેક ઊંડા અર્થ પણ છે.
સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે નોબેલ પુરસ્કાર કોઈ ખાનગી વસ્તુની જેમ આપવા-લેવાની ચીજ નથી. સમિતિ તરફથી તરત જ સ્પષ્ટ કરવામાં આવી કે પુરસ્કારનું ટાઈટલ અને સન્માન ક્યારે પણ હસ્તાંતરિત થઈ શકતું નથી. નોર્વેના ટિપ્પણીકારોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ પ્રકારની રાજકીય હરકતોને સામાન્ય ગણી લેવાય, તો ભવિષ્યમાં નોબેલ પુરસ્કાર રાજકીય સોદાબાજીનો હિસ્સો બની શકે. એક રીતે તો અહીં નોબેલની પવિત્રતા જ ઝાંખી પડી છે.
અમેરિકામાં પ્રતિક્રિયા વધુ વિભાજિત હતી. ટ્રમ્પ સમર્થક મીડિયાએ અને વિશ્ર્લેષકોએ તેને એક નૈતિક જીત તરીકે રજૂ કર્યું. તેમના માટે આ સંકેત હતો કે દુનિયાના કેટલાક ભાગોમાં ટ્રમ્પને શાંતિ અને બદલાવના સમર્થક રૂપે જોવામાં આવી રહ્યા છે.
જોકે લિબરલ અને ટીકાત્મક મીડિયાએ આખી ઘટનાને ‘રાજકીય નાટક’ ગણાવી છે. તેમની દૃષ્ટિએ, આવી રીતે કોઈકનો પદક પડાવી લેવાથી ન તો ટ્રમ્પ નોબેલ પુરસ્કાર વિજેતા બને છે કે ન તો એનાથી શાંતિ માટેનાં કોઈ ઠોસ કાર્યોની પુષ્ટિ થાય છે. ઘણાં અમેરિકન સમાચારપત્રોએ યાદ અપાવ્યું કે ટ્રમ્પે તેમની જીદને દાદાગીરી કરીને પૂરી કરી છે.
વેનેઝુએલામાં આને રાજકીય રીતે જોવામાં આવે છે, કારણ કે ત્યાં હજુ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના સમાચાર તાજા જ છે. ત્યાંના લોકો માને છે કે આ ટ્રમ્પ અને અમેરિકાનું રાજકીય સમર્થન મેળવવાની એક રણનીતિ છે. વેનેઝુએલાના ટીકાકારો કહે છે કે નોબેલ શાંતિ પુરસ્કાર લોકશાહીનાં મૂલ્ય અને લોકોના સંઘર્ષનો પ્રતીક હોવો જોઈએ, બાવડાં ફુલાવાની આંતરરાષ્ટ્રીય હરીફાઈનું સાધન નહીં. જો કે, માચાડોના સમર્થકોનો તર્ક છે કે ટ્રમ્પની નીતિઓએ વેનેઝુએલામાં સત્તા પરિવર્તનની શક્યતા મજબૂત કરી, એટલે તેમને પ્રતીકાત્મક રીતે આ સન્માન આપવું ખોટું નથી.
યુરોપના અન્ય દેશોમાં પ્રતિક્રિયા પ્રમાણમાં શાંત પરંતુ ટીકાત્મક હતી. ફ્રાંસ, જર્મની અને બ્રિટનનાં સમાચારપત્રોએ આ ઘટનાને અસામાન્ય અને અસહજ ગણાવી હતી. તેમના અનુસાર, નોબેલ શાંતિ પુરસ્કારની શક્તિ જ એમાં છે કે તે રાજકારણથી ઉપર રહે. જ્યારે કોઈ વર્તમાન રાજનેતાનું નામ એમાં જોડાય છે ત્યારે પુરસ્કારની નૈતિક ઊંચાઈ પર સવાલ ઊભા થવા લાગે છે. યુરોપિયન વિશ્ર્લેષકોએ પણ લખ્યું કે આ ઘટના બતાવે છે કે આજના સમયમાં પ્રતીકોનો ઉપયોગ વાસ્તવિક નીતિઓની તુલનામાં એક અસરકારક હથિયાર બની ચુક્યો છે.
આ સંદર્ભમાં અમુક લેખકોએ એ પણ યાદ અપાવ્યું કે ઇતિહાસમાં નોબેલ પ્રાઈઝ લાખો ડૉલરમાં વેચાયાની ઘટનાઓ પણ બની છે. 2022માં રશિયન પત્રકાર અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દિમિતિ મુરાતોવએ પોતાના મેડલને લીલામ કર્યો હતો અને તે સો મિલિયન ડૉલરથી પણ વધુમાં વેચાયો હતો. જોકે, તે પૈસાનો ઉપયોગ યુક્રેન યુદ્ધથી પ્રભાવિત બાળકોને મદદ માટે કરવામાં આવ્યો હતો.
તે પહેલાં વિજ્ઞાન અને સાહિત્ય ક્ષેત્રના કેટલાક વિજેતાઓએ પણ પોતાના મેડલ ખાનગી કારણો અથવા દાન માટે વેચ્યા હતા. આ ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે મેડલની ભૌતિક કિંમત ઘણી મોટી હોઈ શકે છે, પરંતુ તે પુરસ્કારનો નૈતિક અને ઐતિહાસિક અર્થ બદલાતો નથી. જે વ્યક્તિ એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા બની જાય છે, તે હંમેશાં તે જ રૂપમાં ઓળખાય છે, ભલે મેડલ તેના પાસે હોય કે ન હોય.
આ જ મુદ્દે ટ્રમ્પ-માચાડોના મામલાની વાસ્તવિક જટિલતા સામે આવે છે. એક તરફ તે સંપૂર્ણ રીતે કાનૂની છે કે માચાડોએ પોતાનો પદક ટ્રમ્પને આપી દીધો. બીજી તરફ, એટલું જ સ્પષ્ટ છે કે તેનાથી ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નથી બનતા. તોય, રાજકારણમાં પ્રતીકોનું મહત્ત્વ એટલું મોટું હોય છે કે આ ફરક ઘણીવાર ધૂંધળો પડી જાય છે. મીડિયાના હેડલાઇન્સમાં નોબેલ પદક ટ્રમ્પને મળ્યો’ જેવા શબ્દો પોતે જ એક અસર ઉત્પન્ન કરે છે, ભલે કાનૂની સત્ય કંઈપણ હોય.
એ જે હોય તે, પણ હકીકત એ છે કે આ ઘટના આપણા સમયની તુચ્છ રાજનીતિનું પ્રતિબિંબ છે. આજે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આપસી વિશ્વાસ, સંસ્થાઓ અને નૈતિક અધિકારો પહેલાથી જ દબાયેલા-પીસાયેલા છે ત્યારે આવી ઘટનાઓ વધુ કડવાશ પેદા કરે છે. એક તરફ આ નોબેલ પુરસ્કારના ગૌરવ માટે જોખમ છે તો બીજી તરફ તે બદલાતી દુનિયામાં સન્માન અને રાજનીતિના નવા સંબંધનો ઉદય છે.
ટ્રમ્પ અને માચાડોની મુલાકાત સામાન્ય શિષ્ટાચાર નહોતો. આ એવી ક્ષણ હતી જ્યાં ઈતિહાસ, રાજનીતિ, પ્રતીક અને મીડિયાની શક્તિ એક સાથે અથડાઈ. ઈતિહાસમાં નોબેલ શાંતિ પુરસ્કાર પોતાની એક જગ્યા છે- એક એવું પ્રતિષ્ઠિત સન્માન, જેને ન તો ખરીદી શકાય છે કે ન તો સ્થાનાંતરિત કરી શકાય, પરંતુ જે રીતે પદકને ‘વાપરવા’માં આવ્યો છે, તેણે એ જરૂર બતાવ્યું કે આજની વૈશ્વિક રાજનીતિમાં પ્રતીકો પણ એટલાં જ અસરદાર છે, જેટલા તેના ફેંસલા.