મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓને આગામી 'થાણે રિંગ મેટ્રો' પ્રોજેક્ટ અંગે શહેરના રહેવાસીઓની ચિંતાઓનું નિરાકરણ લાવવાની સૂચના આપી છે.
સોમવારે મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન, મહામેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર શ્રવણ હાર્દિકરે પ્રોજેક્ટની વિગતવાર કાર્યકારી રૂપરેખા રજૂ કરી હતી.
ભાજપના એમએલસી માધવી નાઈકે ધ્યાન દોર્યું હતું કે, થાણેની વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા 'રિંગ મેટ્રો' પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ હોવા છતાં, સરકારી સંસ્થાઓ તરફથી સક્રિય સંવાદના અભાવે સ્થાનિક લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. તેમણે કહ્યું કે રહેવાસીઓ, સ્થાનિક નેતાઓ અને શહેરી નિષ્ણાતો સાથે પારદર્શક ચર્ચાઓ કરવાની તાતી જરૂર છે.
અહેવાલ મુજબ, શિંદેએ મહામેટ્રોના અધિકારીઓને સૂચના આપી હતી કે તેઓ સૂચિત મેટ્રો રૂટ પર આવતા વિવિધ વિસ્તારોના સ્થાનિક પ્રતિનિધિઓ, નિષ્ણાતો અને નાગરિકો સાથે સંયુક્ત સંવાદ અને ચર્ચા-વિચારણા માટેના સેમિનાર યોજે.
જનજાગૃતિ લાવવા માટે મહામેટ્રો આગામી ગણેશ ઉત્સવ દરમિયાન થાણેમાં માહિતીપ્રદ બેનરો પણ લગાવશે. આ બેઠકમાં રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક અને થાણેના સાંસદ નરેશ મ્હાસ્કે ઉપસ્થિત રહ્યા હતા.
થાણે શહેરમાં તાજેતરમાં શરૂ કરાયેલા રૂ. ૧૨,૨૦૦ કરોડના 'ઇન્ટિગ્રેટેડ રિંગ મેટ્રો' પ્રોજેક્ટનો નાગરિકો અને શહેરી પરિવહન નિષ્ણાતોએ સખત વિરોધ કર્યો છે. 29 કિમીનો આ પ્રોજેક્ટ ગીચ રહેણાંક વિસ્તારોથી દૂર અને બિનજરૂરી રસ્તાઓ પરથી પસાર થતો હોવાથી તેમણે તેની ટીકા કરી છે.