મુંબઈ: પવઇ વિસ્તારમાં નજર ઉતારવાના બહાને ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થયેલા બહુરૂપિયાને પોલીસે ગુનો દાખલ થયાના ચાર કલાકમાં ઝડપી પાડીને લોકઅપભેગો કરી દીધો હતો.
પવઇ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અનિલ શેષરાવ શિંદે (28) તરીકે થઇ હોઇ તે થાણેના કલવા વિસ્તારમાં ગોલાઇનગરનો રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે બપોરે 12.20 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ પ્રકરણે પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલા તેના ઘરમાં હાજર હતી ત્યારે ‘અનિલ’ નામનો સાડી પહેરેલો વ્યંડળ નજર ઉતારવાને બહાને ઘરમાં ઘૂસ્યો હતો અને બેડરૂમમાં જઇ તેણે મહિલાને ગભરાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને વ્યંડળની શોધ ચલાવીહતી. પોલીસે ઘટનાસ્થળ તેમ જ આસપાસના વિસ્તારમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં વ્યંડળ રિક્ષામાં ત્યાંથી ફરાર થતો નજરે પડ્યો હતો.
દરમિયાન વ્યંડળ કલવાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોવાનું તપાસમાં જાણવા મળતાં પોલીસ ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને તેને શોધી કાઢ્યો હતો. જોકે તે વ્યંડળ નહીં પણ ભીખ માગનારો બહુરૂપિયો હોવાનું જાણવા મળ્યું હતું.