નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઝેરી હવા અને વધતા વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટ અત્યંત ગંભીર જણાઈ રહી છે. સોમવારે આ મામલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે માત્ર કાગળ પર મોટી મોટી યોજનાઓ બનાવવાથી પ્રદૂષણ ઓછું નહીં થાય.
કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે આ યોજનાઓને જમીન પર લાગુ કરવા માટેની આર્થિક વ્યવસ્થા અને જવાબદારી કોની રહેશે? સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના ઉકેલ માટે માત્ર આશ્વાસન નહીં, પણ નક્કર રોડમેપની માંગ કરી છે.
સુનાવણી દરમિયાન જ્યારે ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે મુખ્ય ન્યાયાધીશે આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે પ્રશ્ન કર્યો કે દરેક નાની-મોટી બાબતની દેખરેખ સુપ્રીમ કોર્ટે જ કેમ કરવી પડે છે? ગેરકાયદે બાંધકામ જેવા સ્થાનિક મુદ્દાઓ પર હાઈકોર્ટે નજર રાખવી જોઈએ. જોકે, એડિશનલ સોલિસિટર જનરલે (ASG) સ્પષ્ટતા કરી હતી કે અત્યારે મુખ્ય ધ્યાન દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ અને તેના લાંબા ગાળાના ઉપાયો પર છે, જે માટે CAQM દ્વારા વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
સરકાર તરફથી જ્યારે પ્રદૂષણ રોકવા માટેના લાંબા ગાળાના આયોજનો રજૂ કરવામાં આવ્યા, ત્યારે સુપ્રીમ કોર્ટે નાણાકીય પાસા પર ભાર મૂક્યો હતો. કોર્ટે સીધો સવાલ પૂછ્યો કે, "આ યોજનાઓ અમલમાં મૂકવા માટે ફંડ ક્યાંથી આવશે?
શું તમારી પાસે પોતાનું બજેટ છે કે અન્ય એજન્સીઓ પર નિર્ભર રહેવું પડશે?" જેના જવાબમાં ASGએ ખાતરી આપી હતી કે જરૂરી ફંડ ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ તેને ફાળવવામાં આવશે. આ સાથે પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખવા માટે નિષ્ણાતો દ્વારા અભ્યાસ ચાલી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
કોર્ટે એમિકસ ક્યુરીને નિર્દેશ આપ્યો છે કે તેઓ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંધનામાની ઝીણવટભરી તપાસ કરે અને જણાવે કે હજુ કયા નક્કર પગલાં લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે નિષ્ણાતોના અભિપ્રાયના આધારે આગળની દિશા નક્કી કરશે. કોર્ટ હવે પછીની સુનાવણીમાં એ જાણવા માંગશે કે પ્રદૂષણ ડામવા માટેના પ્રસ્તાવો ક્યારે અને કેવી રીતે અમલમાં આવશે, જેથી સામાન્ય જનતાને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા મળી શકે.