આરોગ્ય એક્સપ્રેસઃ રાજેશ યાજ્ઞિક
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર, કેપ્ટન અને વડા પ્રધાન ઈમરાન ખાનની આંખની બીમારી અત્યારે વિશ્વભરમાં ચર્ચાનો વિષય છે. ઈમરાનને થયેલી આંખની બીમારીનું નામ છે ‘રેટિનાલ વેઇન ઓક્લુઝન (RVO).’ શું છે આ બીમારી...?
આપણે સહુ જાણીએ જ છીએ કે, ધમનીઓ અને નસો આપણા આખા શરીરમાં લોહીનું વહન કરે છે, જેમાં આપણી આંખોનો પણ સમાવેશ થાય છે. આંખના રેટિનામાં એક મુખ્ય ધમની અને એક મુખ્ય નસ હોય છે. ‘આરવીઓ’ બે પ્રકારના હોય છે. એક સેન્ટ્રલ આરવીઓ અને બીજું બ્રાન્ચ આરવીઓ.
જ્યારે મુખ્ય રેટિના નસ અવરોધિત થઈ જાય છે ત્યારે તેને સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન (CRVO) કહેવામાં આવે છે. જ્યારે નાની શાખા નસોમાંની એકમાં અવરોધ આવે ત્યારે તેને બ્રાન્ચ રેટિના વેઇન ઓક્લુઝન (BRVO ) કહે છે. આ પ્રકાર વધુ સામાન્ય છે.
સરળ શબ્દોમાં કહીએ તો, રેટિના એ આંખની પાછળની બાજુએ પેશીનો એક સ્તર છે, જે પ્રકાશને ચિત્રોમાં પરિવર્તિત કરીને આપણને જોવામાં મદદ કરે છે. જ્યારે નસ અવરોધિત થાય છે ત્યારે લોહી અને પ્રવાહી રેટિનામાં બહાર નીકળી જાય છે. આનાથી ગૂંચવણો થઈ શકે છે, જેમાં તમારી આંખમાં દબાણ વધવું અને સોજો આવવો સામેલ છે. આ આપણી કેન્દ્રીય દ્રષ્ટિને અસર કરે છે.
આખરે, રક્ત પરિભ્રમણ વિના, આંખના ચેતા કોષો મરી શકે છે અને દ્રષ્ટિ ધીરે ધીરે જતી રહે છે.
ડાયાબિટીસ-સંબંધિત આંખની તકલીફો પછી રેટિનાલ વેઇન ઓક્લુઝન એ આપણા રેટિનાને અસર કરતી બીજી સૌથી સામાન્ય વિકૃતિ છે.
લક્ષણો શું હોય છે?
રેટિના નસ અવરોધનાં લક્ષણો સામાન્ય રીતે એક આંખને અસર કરે છે. તે બંને આંખને અસર કરે તેવું પણ બને. તેના સામાન્ય લક્ષણોમાં ઝાંખી દ્રષ્ટિ અથવા દ્રષ્ટિ ગુમાવવી... આ અચાનક શરૂ થઈ શકે છે અથવા કલાકો કે દિવસો દરમિયાન ધીમે ધીમે વધી શકે છે.
ફ્લોટર્સ
આપણી દ્રષ્ટિમાં કાળા ટપકાં અથવા રેખાઓ દેખાતી હોય. તમારી આંખમાં દુખાવો અથવા દબાણ: આ સામાન્ય રીતે વધુ ગંભીર કિસ્સાઓમાં થાય છે. આ સમસ્યામાં ઘણીવાર દર્દીને ગૂંચવણો ઊભી ન થાય ત્યાં સુધી કોઈ લક્ષણો ન પણ હોય. કેટલાક લોકોને ખ્યાલ નથી આવતો કે કોઈ સમસ્યા છે, જ્યાં સુધી નિયમિત આંખની તપાસ દરમિયાન તબીબ સમસ્યાનું નિદાન ન કરે. ઘણા એવું પણ માને છે આંખોની નસ સુકાઈ જવી એ જ આ સમસ્યા છે. ના, એવું નથી. આંખોની નસો સુકાઈ જવી એ સામાન્ય રીતે ડિહાઇડ્રેશન સાથે સંકળાયેલી સમસ્યા હોય છે, જેના કારણે લોહીનું પ્રમાણ ઓછું થવાને કારણે નસો ઓછી ભરેલી અથવા વધુ મોટી દેખાય છે.
RVO થવાનું જોખમ કોને છે?
RVO સામાન્ય રીતે 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં થાય છે. ઘણીવાર આપણે તેને ઉંમરની સાથે વધતા આંખના નંબર સમજીને તે પ્રમાણે જ ઉપાયો કરવાનું વિચારીએ છીએ.
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ગ્લુકોમા, ધમનીઓની સખ્તાઈ (જેને ધમનીઓનું સ્ક્લેરોસિસ કહેવાય છે) જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેમને તે થવાનું જોખમ વધારે હોય છે:
RVOનું જોખમ કઈ રીતે ઘટાડી શકાય?
તેને ઘટાડવા માટે ઓછી ચરબીવાળો ખોરાક લો, નિયમિત કસરત કરો (તેમાં આંખની કસરતનો પણ સમાવેશ થાય છે), આદર્શ વજન જાળવી રાખો, ધૂમ્રપાન ન કરો. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું મહત્ત્વપૂર્ણ છે.
આંખ જેવા મહત્ત્વના અવયવ બાબતે આપણે બેધ્યાન રહીને કે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહીને નિર્ણયો લેવા નહીં, કેમ કે, દ્રષ્ટિ ભાગ્યે જ સંપૂર્ણરીતે સામાન્ય થાય છે અર્થાત્ નાની મોટી કોઈક તો ખોટ રહી જાય છે. દ્રષ્ટિના અવરોધ ઉલટાવી શકાય તેવો કે અવરોધ ખોલવાનો કોઈ રસ્તો નથી.
આંખ માટે જોખમ ઓછું કરવા અને અસરગ્રસ્ત આંખમાં વધુ નસ અવરોધ અટકાવવા માટે કોઈ પણ જોખમી પરિબળોને ઓળખવા અને તેમની સારવાર કરવી જરૂરી છે. એકની સાથે બીજી આંખની દૃષ્ટિને પણ નુકસાન થઇ શકે છે.