Sat Aug 29 2026

Logo

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું, ટ્રાંસપોર્ટ કોસ્ટ વધતા હવે શેના ભાવ વધશે?

2026-05-16 16:45:54
Author: Mumbai Samachar Team
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું, ટ્રાંસપોર્ટ કોસ્ટ વધતા હવે શેના ભાવ વધશે?

AI Generated Images


નવી દિલ્હીઃ પહેલા દૂધ, પછી સીએનજી ગેસ અને આખરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગના આર્થિક બજેટ પર જાણે એસિડ રેડાયુ હોય એવી સ્થિતિ છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતા હવે રસોડાની વસ્તુથી લઈને ઓનલાઈન ડિલેવરી સુધી તમામ વસ્તુઓ પર એક અસર થવાની છે. ખાણી-પીણીની વસ્તુથી લઈને દૈનિક જીવન સાથે જોડાયેલી કેટલીક વસ્તુમાં ભાવ વધારો થતા મોંઘવારીથી વધુ એક ડામ લાગી રહ્યો છે, જેની સીધી અસર સામાન્યવર્ગ તથા મધ્યમવર્ગના ખિસ્સાને થઈ રહી છે. 

ટ્રાંસપોર્ટ કોસ્ટ વધતા માઠી
હવે ટ્રાંસપોર્ટ કોસ્ટ વધતા દૈનિક જરૂરિયાત સાથે જોડાયેલી વસ્તુઓ મોંઘી થવાના એંધાણ નકારી શકાતા નથી. પ્રવાસ માટે બસ કે કારના ભાડા પણ વધી ગયા છે. જ્યારે પણ ટ્રાંસપોર્ટ કોસ્ટ વધે છે ત્યારે કંપનીઓ અને વેપારીઓ એનો આર્થિક બોજ ગ્રાહક નામની કન્યાની કેડ પર નાંખી દે છે. સમગ્ર દેશમાં મોટાભાગનો સામાન ટ્રેક, ટેમ્પો અને અન્ય કેટલાક કર્મશિયલ વાહનો દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં જાય છે.એવામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા કંપનીઓનો પણ ટ્રાંસપોર્ટ ખર્ચ વધી ગયો છે. અસર એ થાય છે કે, વીકએન્ડ ખાણી-પીણીની વસ્તુઓ પાછળ થતા ખર્ચની રકમ વધારે ચૂકવવી પડે છે. 

ડિલેવરી ચાર્જ વધે છે
બીજી તરફ મોટા સેન્ટરમાંથી નાના નગરોમાં આવતી ઓનલાઈન ચીજ-વસ્તુઓની ડિલેવરી માટેનો ખર્ચ પણ વધે છે. આ સાથે સ્થાનિક સ્તર પર બસ અને ઓટો રીક્ષાના ભાડમાં પણ વધારો થાય છે. ટ્રાંસપોર્ટ ખર્ચ વધતા ફળ-ફળાદી, શાકભાજી, દૂધ અને ડેરી પ્રોડક્ટ, રાશન-અનાજ તથા પેકેજ ફૂડમાં સીધો ભાવ વધારો લાગુ પડે છે. બીજી તરફ ટ્રાંસપોર્ટના મોટાભાગના ઑપરેશન સાથે જોડાયેલી ઓનલાઈન શોપિંગની વસ્તુની ડિલેવરીમાં ટ્રકથી લઈને લોકલ ડિલેવરીબોય સુધીની ચેઈન સંકળાયેલી હોય છે. પેટ્રોલ-ડીઝલમાં વધારો થતા આ ટ્રાંસપોર્ટ કે ડીલેવરી ચાર્જ પણ વધે છે. સિમેન્ટ, સળીયા તથા અન્ય બાંધકામ સંબંધીત વસ્તુઓ મોંઘી બને છે. કારણ કે એમાં પણ ટ્રાંસપોર્ટ કોસ્ટ અસર કરે છે. શાકભાજી અને ફળ-ફળાદીની વસ્તુમાં સૌથી વધારે આર્થિક માર પડે છે, કારણ કે આ વસ્તુઓ દૈનિક ધોરણે લાંબા અંતરથી આપણી શાકમાર્કેટ સુધી આવે છે. 

બચત કરવી કઠિન
બીજી તરફ દૂધ, દહી, બ્રેડ તથા પેકેડ ફૂડની કિંમત વધે છે, કારણ કે ઈ-કોમર્સ કંપનીઓ પણ પોતાના ડિલેવરી ચાર્જમાં વધારો કરીને જે તે ડીલર સુધી મોટી માત્રામાં બોક્સ પહોંચાડે છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલ જેવી પાયાની વસ્તુના ભાવ વધતા બસ કે કારમાં અપડાઉન કરતા લોકોને વધારે ભાડું ચૂકવવું પડે છે.આના કારણે પહેલા દૈનિક અને પછી માસિક બજેટ ખોરવાય છે. પાર્સલ ચાર્જ અને ટ્રાંસપોર્ટ કોસ્ટ વધવાને કારણે મોંઘવારીનું ચિત્ર વધારે સૌથી વધારે મધ્યમવર્ગના સિસ્કારા બોલાવી દે છે. પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ આવનારા કેટલાક સમય સુધી ફિક્સ રહેશે આ કારણે મોંઘવારી હજુ વધી શકે છે. નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીવર્ગ તથા સામાન્ય દૈનિક શ્રમિકની માઠી દશા થશે, કારણ કે એમની માસિક કે દૈનિક ધોરણે આવતી આવક ખૂબ જ મર્યાદિત હોય છે. બીજી તરફ જીવન જરૂરી વસ્તુઓમાં કરકસર કરીને પણ બચતની ફોર્મ્યુલા જાળવી રાખવી કઠિન બને છે.