Sat May 16 2026

Logo

અમદાવાદના રાણીપમાં ડીમાર્ટ પાસે પકોડીમાંથી નીકળ્યું ‘હાડકું’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

2026-05-16 14:29:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ શહેરમાં ખાણી-પીણી બાબતે લોકોના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યાં છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કાર્યવાહી પણ માત્ર નામ પૂરતી જ કરવામાં આવે છે. જો કડક કાર્યવાહી કરવામાં આવી હોય તો ફરીવાર કોઈ અન્ય વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પહેલા સો વખત વિચાર કરે! રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાને ત્યાં પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

પહેલી પકોડીમાં વાળ નીકળ્યો અને છેલ્લી પકોડીમાંથી હાડકું

ઘટનાની વાત કરવામાં આવે તો, એક યુવતી અહીં પાણીપુરી ખાવા માટે જાય છે. પહેલી પકોડી ખાધી ત્યારે તેમાથી વાળ નીકળ્યો હતો. પરંતુ તેણે વાતને ધ્યાને લીધી નહીં. બાદમાં જ્યારે પકોડીમાંથી હાડકું નીકળ્યું ત્યારે તેનો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો તેણે વીડિયો ઉતાર્યો અને  સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હવે અમદાવાદ મનતા દ્વારા વીડિયોની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

 

પકોડીવાળાએ કહ્યું - હાડકું ઉડીને આવ્યું હશે

આ સમગ્ર ઘટના ગત 15મી મે એટલે કે શુક્રવારે સાંજે બની હતી. અહીં એક યુવતી તેની માતા સાથે પકોડી ખાવા માટે આવી હતી. ત્યારે તેની પકોડીમાંથી હાડકું નીકળ્યું હતું. પહેલા તો યુવતીને તે લાકડું લાગ્યું પરંતુ ત્યારે અન્ય લોકોને બતાવ્યું ત્યારે જાણ થઈ કે આ લાકડું નહીં પરંતુ હાડકું છે. પહેલા તો પકોડીવાળો માનવા માટે તૈયાર નહોતો પરંતુ પછી તેણે માન્યું કે, આ હાડકું છે અમને માફ કરી દો. પકોડીવાળાએ એવું કહ્યું કે, આ હાડકું ઉડીને આવ્યું હશે. પ્રશ્ન એ થાય કે હાડકું ઉડીને કેવી રીતે આવી શકે?

આ પકોડીમાં માંસ નહીં હોય તેની શું ખાતરી?

પકોડીમાં હાડકું નીકળું એ નાની વાત નથી. કારણે કે, પકોડીખાવા માટે આવતા લોકો મોટાભાગે શાકાહારી હોય છે. પકોડીમાં હાડકું કેવી રીતે આવ્યું? પ્રશ્ન એ થાય છે કે, જો હાડકું નીકળ્યું છે તો પછી તેમાં બીજુ પણ ઘણું બધું હોઈ શકે છે. આ પકોડીમાં માંસ નહીં હોય તેની પણ ખાતરી આપી શકાય નહી! કારણ કે, હાડકું નીકળ્યું છે તો માંસ હોવાની પણ સંપૂર્ણ શક્યતા રહેલી છે.